ભારત-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચે રમાઈ રહેલી ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેચના બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ-Aના બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ભારત-Aએ પ્રથમ દાવમાં 5 વિકેટે 464 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો.

ભારતીય બોલરની શાનદાર શરૂઆત 

બેટિંગ બાદ ભારતીય બોલરોએ પણ શાનદાર શરૂઆત કરી હતી. ઈજામાંથી વાપસી કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ નવી બોલથી બે વિકેટ ઝડપી હતી. દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડ-Aનો સ્કોર 2 વિકેટે 36 રન હતો. આ સાથે ભારત-Aને પ્રથમ દાવના આધારે કુલ 428 રનની વિશાળ સરસાઈ મળી હતી.

સાઈ સુદર્શન સદી ચૂકી ગયા, જુરેલે સંભાળી જવાબદારી

ભારત-Aએ શનિવારના 2 વિકેટે 227 રનના સ્કોરથી બીજા દિવસની રમત આગળ વધારી હતી. જોકે, સવારે ટીમને બી. સાઈ સુદર્શનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. તે પોતાના અગાઉના સ્કોરમાં માત્ર 11 રન ઉમેરી શક્યા હતા અને 88 રન બનાવીને ગિબ્સનની બોલિંગમાં બોલ્ડ થયા હતા.ત્યારબાદ કેપ્ટન ધ્રુવ જુરેલે તિલક વર્મા સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે 31 રનની ભાગીદારી થઈ હતી. જુરેલે 95 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમણે 75 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જોકે, કેમેરોન પૉલે તેમની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.

તિલક અને વોશિંગ્ટન વચ્ચે 114 રનની અણનમ ભાગીદારી

જુરેલની વિકેટ પડ્યા બાદ તિલક વર્માએ રવિન્દ્ર જાડેજા સાથે ઇનિંગ્સ આગળ વધારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 44 રનની ભાગીદારી થઈ હતી. જાડેજા 25 રન બનાવીને ગિબ્સનનો બીજો શિકાર બન્યા હતા.ત્યારબાદ તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરે મોરચો સંભાળ્યો હતો. બંને બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ-Aના બોલરોને વધુ કોઈ સફળતા મેળવવા દીધી નહોતી. છઠ્ઠી વિકેટ માટે બંને વચ્ચે 197 બોલમાં અણનમ 114 રનની ભાગીદારી થઈ હતી.તિલક વર્માએ 131 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને 81 રન બનાવીને અણનમ રહ્યા હતા. બીજી તરફ વોશિંગ્ટન સુંદરે 107 બોલમાં અડધી સદી ફટકારી હતી અને 50 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેની શાનદાર બેટિંગના કારણે ભારત-Aએ 146 ઓવરમાં 5 વિકેટે 464 રન બનાવીને પ્રથમ દાવ જાહેર કર્યો હતો.

ઈજામાંથી પરત ફરેલા પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલથી કમાલ

બેટિંગ બાદ ભારતીય બોલરોએ પણ ન્યૂઝીલેન્ડ-A પર દબાણ બનાવ્યું હતું. ડાબા પગની હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થઈને પરત ફરેલા ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર શરૂઆત કરી હતી.તેમણે ન્યૂઝીલેન્ડ-Aના ઓપનર રાઈસ મારિયુ અને કર્ટિસ હીફીને આઉટ કરીને ટીમને શરૂઆતમાં જ બે ઝટકા આપ્યા હતા. બીજી તરફ ટેસ્ટ સીરિઝની તૈયારીના ભાગરૂપે ભારત-A તરફથી રમી રહેલા જસપ્રીત બુમરાહે પણ કરકસરભરી બોલિંગ કરી હતી. તેમણે પોતાની ઓવરોમાં માત્ર 11 રન આપ્યા હતા.દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ-Aનો સ્કોર 2 વિકેટે 36 રન હતો. ભારત-A પાસે હવે 428 રનની વિશાળ સરસાઈ છે અને મેચમાં ભારતીય ટીમની સ્થિતિ ઘણી મજબૂત બની છે.

આ પણ વાંચો - IND vs NZ : ત્રીજી વનડે પહેલાં ફેન્સ માટે માઠા સમાચાર! હેમિલ્ટનમાં વરસાદની મોટી આગાહી