ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં UAE ને હરાવીને ભારત A એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. આ મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ બેવડી સદી ફટકારીને ઐતિહાસિક ઇનિંગ રમી હતી. હવે સેમિફાઇનલમાં ભારત A નો મુકાબલો ગ્રુપ A માં ટોચના સ્થાને રહેલા શ્રીલંકા A સામે થશે. અગાઉ ભારતની મેચ સવારે ૧૧:૩૦ વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ સેમિફાઇનલ મેચનો સમય અલગ નક્કી કરવામાં આવ્યો છે.
ગ્રુપ સ્ટેજમાં કેવી રહી ટીમોની સ્થિતિ?
ભારત પહેલા શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ સેમિફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યા હતા. ગ્રુપ A માં શ્રીલંકા A પ્રથમ અને બાંગ્લાદેશ A બીજા સ્થાને રહ્યું, જ્યારે અફઘાનિસ્તાન અને હોંગકોંગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. બીજી તરફ, ગ્રુપ B માં પાકિસ્તાન A ૬ પોઈન્ટ સાથે ટોચ પર અને ભારત A ૪ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું.
ભારત A વિરુદ્ધ શ્રીલંકા A સેમિફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે?
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની પ્રથમ સેમિફાઇનલ ભારત A અને શ્રીલંકા A વચ્ચે ૨૬ નવેમ્બર, બુધવારના રોજ દોહામાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મેચ ૨૭ નવેમ્બર, ગુરુવારના રોજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે.
સેમિફાઇનલ મેચ અને ટોસનો સમય શું રહેશે?
ભારત A અને શ્રીલંકા A વચ્ચેની સેમિફાઇનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલા એટલે કે બપોરે ૩:૦૦ વાગ્યે ઉછાળવામાં આવશે.
લાઇવ પ્રસારણ અને સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
ભારત A અને શ્રીલંકા A વચ્ચે રમાનારી આ મહત્વપૂર્ણ સેમિફાઇનલ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર કરવામાં આવશે. દર્શકો સોની લિવ (SonyLIV) એપ અને વેબસાઇટ મારફતે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ નિહાળી શકશે.
ભારત A ની સ્ક્વોડ
આ ટુર્નામેન્ટ માટે ભારત A ટીમમાં તિલક વર્મા (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), રિંકુ સિંહ, શાહબાઝ અહેમદ, તનુષ કોટિયન, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, કુમાર કુશાગ્રા (વિકેટકીપર), અરશદ ખાન, વિપ્રાજ નિગમ, પ્રિન્સ કુમાર અને યશસિંહ રાણાનો સમાવેશ થાય છે.
29 નવેમ્બરે ફાઇનલ, ભારત-પાકિસ્તાન ટક્કરની શક્યતા
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની ફાઇનલ મેચ 29 નવેમ્બર, રવિવારના રોજ રમાવાની છે. બંને ટીમો અલગ-અલગ સેમિફાઇનલ રમી રહી હોવાથી ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ સ્ટેજમાં ભારત A ટીમને પાકિસ્તાન A સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : VIDEO: માર્ક્સ એકરમેનની સદી કરતાં દીકરાની ખુશીની વધુ ચર્ચા