Rising Stars Asia Cup 2026માં આજે ભારત-A અને UAE વચ્ચે ટક્કર. કતારની રાજધાની દોહામાં આવેલી યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના મેદાન પર રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 11:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ માટે આ મુકાબલો ઘણો મહત્વનો છે. પાકિસ્તાન-A સામે હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા જીત સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા મેદાનમાં ઉતરશે.

પાકિસ્તાન સામેની હારથી બદલાયું સમીકરણ

ભારત-Aએ આ ટૂર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમે નેપાળ-Aને 306 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પોતાની તાકાત બતાવી હતી.જોકે, બીજી મેચમાં ભારતને પાકિસ્તાન-A સામે 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 314 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય બેટ્સમેનો લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા.હાલમાં ગ્રુપ-Bના પોઇન્ટ્સ ટેબલમાં પાકિસ્તાન-A બંને મેચ જીતીને પ્રથમ સ્થાને છે અને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી તરફ ભારત-A 2 મેચમાં 1 જીત સાથે બીજા સ્થાને છે. હવે UAE સામેની મેચ ભારત માટે નિર્ણાયક બની ગઈ છે.

ભારત સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે?

ગ્રુપ-Bમાંથી સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય ભારત-A અને UAE વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમે અંતિમ 4માં સ્થાન મેળવવા માટે UAE સામે જીત મેળવવી જરૂરી છે.બીજી તરફ ગ્રુપ-Aમાંથી શ્રીલંકા-A અને બાંગ્લાદેશ-Aએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.ટૂર્નામેન્ટના નિયમ પ્રમાણે ગ્રુપ-Aની પ્રથમ ક્રમની ટીમનો મુકાબલો ગ્રુપ-Bની બીજા ક્રમની ટીમ સામે થશે. જ્યારે ગ્રુપ-Bની પ્રથમ ક્રમની ટીમ ગ્રુપ-Aની બીજા ક્રમની ટીમ સામે રમશે.આ સમીકરણને કારણે ચાહકોને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો જોવા મળી શકે છે. જોકે, તેના માટે બંને ટીમોએ પોતાની સેમિફાઇનલ મેચ જીતવી પડશે.ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 26 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 27 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ મુકાબલો 29 નવેમ્બરે યોજાશે.

દોહાની પીચ પર બોલરોને મળી શકે છે મદદ

ભારત-A અને UAE વચ્ચેની મેચ દોહાની યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના મેદાન પર રમાશે. ભારતીય ટીમે અગાઉની બંને મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી. આથી આજનું મેદાન ભારતીય ખેલાડીઓ માટે નવું રહેશે.આ મેદાન પર અત્યાર સુધી 5 મેચ રમાઈ છે, પરંતુ એકપણ ટીમ 300 રનનો આંકડો પાર કરી શકી નથી. આ આંકડા જોતા બેટ્સમેનો માટે રન બનાવવા પડકારરૂપ બની શકે છે. અહીં બોલરોને મદદ મળવાની આશા છે.

https://x.com/BCCI/status/2125065404066492418?a=JZNDz0-4NqOwwtHCAao&s=20


દોહામાં કેવું રહેશે હવામાન?

મેચ દરમિયાન દોહામાં હવામાન ચોખ્ખું રહેવાની આગાહી છે. તાપમાન 21થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી. એટલે ચાહકોને આખી મેચ જોવા મળી શકે છે.હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સામેની હાર ભૂલીને ભારતીય યુવા ખેલાડીઓ UAE સામે કેવું પ્રદર્શન કરે છે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી શકે છે કે નહીં.

ભારત-Aની સંભવિત પ્લેઇંગ-11

તિલક વર્મા કેપ્ટન, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, કુમાર કુશાગ્ર, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ.

UAEની સંભવિત પ્લેઇંગ-11

આર્યંશ શર્મા, અંશ ટંડન, હરપ્રીત સિંહ ભાટિયા, મુહમ્મદ શહદાદ, એમ. અફતાબ આલમ, બાસિલ હમીદ કેપ્ટન, એથન ડિસોઝા, ઉદ્દિશ સૂરી, નૂરુલ્લાહ અયોબી, મુહમ્મદ મોહસિન અને ઇબરાર અહેમદ.

આ પણ વાંચો- CSKમાં ધોનીની નવી ભૂમિકા, ઓક્શન પહેલાં ઇરફાન પઠાણે કહી દીધી આ વાત