ઇન્ડિયન પ્રીમિયર લીગની 20મી સિઝન શરૂ થવામાં હજુ થોડા મહિના બાકી છે, પરંતુ અત્યારથી જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે IPLમાં એક મોટો ફેરફાર જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પહેલીવાર ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. 19 વર્ષના લાંબા સફર બાદ ધોનીએ IPLમાંથી ખેલાડી તરીકે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.જોકે, ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા રહેશે. તેઓ હવે ટીમના મેન્ટરની જવાબદારી સંભાળશે. આ દરમિયાન આગામી IPL મિની ઓક્શનમાં ધોની જોવા મળશે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આ સવાલનો જવાબ આપ્યો છે.
ઓક્શનમાં ધોની નહીં બેસે? ઇરફાન પઠાણે શું કહ્યું?
ધોની સાથે ભારતીય ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ચૂકેલા ઇરફાન પઠાણનું માનવું છે કે માહી ઓક્શન ટેબલ પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે. પઠાણના મતે ધોનીનું મુખ્ય કામ ઓક્શનમાં ખેલાડીઓ પસંદ કરવાનું નહીં, પરંતુ ટીમમાં સામેલ ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું રહેશે.ઇરફાન પઠાણે એક ખાસ વીડિયોમાં આ અંગે વાત કરતાં કહ્યું કે ધોનીને સારી રીતે ઓળખતા હોવાથી તેમને નથી લાગતું કે તેઓ ઓક્શન ટેબલ પર બેસશે. તેઓ મેન્ટરની ભૂમિકામાં છે અને ખેલાડીઓને પોતાનો અનુભવ આપવો, તેમને સારું પ્રદર્શન કરવામાં મદદ કરવી અને ચેન્નાઈને જીતતાં શીખવવું તેમની મુખ્ય જવાબદારી રહેશે.
