ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય બોલરોએ યજમાન ટીમની બેટિંગને વેરવિખેર કરી નાખી હતી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ગુરનૂર બરારે ઘાતક બોલિંગ કરતાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 32 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.ન્યૂઝીલેન્ડનો આ ભારત સામે પોતાના ઘરઆંગણે વનડે ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર છે. આ પહેલાં વર્ષ 1994માં ઓકલેન્ડમાં કિવી ટીમ ભારત સામે 142 રનમાં ઓલઆઉટ થઈ હતી. હવે 134 રનના સ્કોર સાથે ન્યૂઝીલેન્ડના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
ટીમ ઈન્ડિયાએ તોડ્યો 32 વર્ષ જૂનો રેકોર્ડ
ભારતીય બોલરોએ બીજી વનડેમાં શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. પરિણામે યજમાન ટીમ માત્ર 134 રનમાં સમેટાઈ ગઈ હતી.આ પહેલાં 1994માં ઓકલેન્ડ ખાતે રમાયેલી વનડેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 142 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારથી આ સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ યથાવત્ હતો. જોકે, વેલિંગ્ટનમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને 32 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.ખાસ વાત એ છે કે આ શ્રેણીની પ્રથમ વનડેમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ઓકલેન્ડમાં માત્ર 185 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ સાથે કિવી ટીમ 25 વર્ષ બાદ પ્રથમ વખત સતત 2 વનડે મેચમાં 200થી ઓછા રનના સ્કોર પર ઓલઆઉટ થઈ છે. આ પહેલાં વર્ષ 2001માં શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની આવી સ્થિતિ થઈ હતી.

53 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી
વેલિંગ્ટન વનડેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને બંને ટીમો માટે 47-47 ઓવર નક્કી કરવામાં આવી હતી.મેદાનની પરિસ્થિતિનો ભારતીય બોલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો શરૂઆતથી જ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કિવી ટીમે 18.4 ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. જ્યારે માત્ર 53 રનના સ્કોર પર તેની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
ડેરિલ મિચેલે સંભાળી ઇનિંગ, છતાં ટીમને ન બચાવી શક્યો
ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે ડેરિલ મિચેલ અને મિચેલ સેન્ટનરે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 59 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.જોકે, 112 રનના સ્કોર પર ડેરિલ મિચેલ 55 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની બેટિંગ ફરી એકવાર ધરાશાયી થઈ ગઈ હતી. ટીમે માત્ર 22 રનના ગાળામાં પોતાની બાકીની 4 વિકેટ ગુમાવી દીધી હતી.આખરે ભારતીય બોલરોએ 41 ઓવરમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 134 રનમાં સમેટી દીધી હતી.
ગુરનૂર બરારનો ઘાતક સ્પેલ, 4 વિકેટ ઝડપી
ભારત તરફથી ગુરનૂર બરારે સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી. તેણે 4 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી.તેના સિવાય આકિબ નબી, અંશુલ કંબોજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ મેળવી હતી. આમ, ભારતીય બોલરોએ સામૂહિક પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને મોટો સ્કોર બનાવતા અટકાવ્યું હતું.ભારત માટે આ પ્રદર્શન ખાસ રહ્યું હતું, કારણ કે ટીમે ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે વનડે ક્રિકેટના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.
આ પણ વાંચો - Virat Kohli Record : બેટિંગમાં ફ્લોપ, પણ રેકોર્ડમાં નંબર-1! કોહલીએ પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો