ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે.ભારતીય બેટર્સે પ્રથમ ઇનિંગ્સમાં એવો અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો છે,જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં ટોપ-7 વિકેટ માટેની દરેક જોડી વચ્ચે ઓછામાં ઓછા 50 રનની ભાગીદારી થઈ હતી.ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઇનિંગ્સમાં આઠ વખત 50થી વધુ રનની ભાગીદારી નોંધાવવાનો રેકોર્ડ અગાઉ પણ બન્યો હતો. જોકે,આ વખતે ખાસ વાત એ રહી કે ભારતની પ્રથમ સાત વિકેટ માટે સતત સાત ભાગીદારીમાં 50થી વધુ રન બન્યા હતા. કેટલીક જોડીઓએ તો 100થી વધુ રન પણ ઉમેર્યા હતા.
યશસ્વી અને રાહુલે મજબૂત પાયો નાખ્યો
વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી.યશસ્વી આઉટ થયા બાદ દેવદત્ત પડિક્કલ બેટિંગ કરવા આવ્યા હતા. કેએલ રાહુલ અને પડિક્કલ વચ્ચે બીજી વિકેટ માટે 165 રનની મોટી ભાગીદારી થઈ હતી. ત્યારબાદ કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલે ત્રીજી વિકેટ માટે 91 રન ઉમેર્યા હતા.
પંત, જુરેલ અને વોશિંગ્ટનનું પણ મહત્વનું યોગદાન
શુભમન ગિલ અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરીને ટીમને વધુ મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગિલ આઉટ થયા બાદ ઋષભ પંત અને અંશુલ કમ્બોજ વચ્ચે પાંચમી વિકેટ માટે 68 રન ઉમેરાયા હતા.ત્યારબાદ ઋષભ પંત અને ધ્રુવ જુરેલે છઠ્ઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. સાતમી વિકેટ માટે ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદરે 54 રન જોડ્યા હતા. આ રીતે ભારતની પ્રથમ સાત વિકેટ માટેની તમામ ભાગીદારીમાં 50થી વધુ રન બન્યા હતા.

ભારતે 720 રન બનાવી ઇનિંગ્સ જાહેર કરી
ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ 9 વિકેટે 720 રન બનાવીને જાહેર કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને પ્રથમ ઇનિંગ્સના આધારે 352 રનની મોટી સરસાઈ મળી હતી.ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે 2 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ હજુ પણ ભારતના સ્કોરથી 233 રન પાછળ હતું.હવે મેચના અંતિમ દિવસે ભારતીય બોલર્સ સામે ન્યૂઝીલેન્ડની બાકીની 8 વિકેટ ઝડપવાનો પડકાર હતો. ભારતની નજર મેચ જીતવા પર હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ માટે હાર ટાળવી મહત્વપૂર્ણ હતી.
આ પણ વાંચો- Jamshed Alamએ T20 ક્રિકેટમાં મચાવી ધમાલ, 9 બોલમાં 5 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ