ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે.સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાશે.આ પ્રવાસમાં ભારતીય ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારતે T20 સિરીઝ 3-2થી અને વનડે સિરીઝ 3-1થી જીતી છે.હવે ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝમાં પણ જીત મેળવવા પર છે.જોકે,ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતનો રેકોર્ડ ખાસ સારો રહ્યો નથી.ખાસ કરીને વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં ભારતીય ટીમને અત્યાર સુધી માત્ર એક જ જીત મળી છે.આવી સ્થિતિમાં કેપ્ટન શુભમન ગિલ માટે પ્રથમ ટેસ્ટ મોટો પડકાર બની શકે છે.

8 ટેસ્ટમાં ભારતને માત્ર એક જ જીત

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ મેચ રમી છે.આમાંથી માત્ર એક મેચમાં ભારતને જીત મળી છે.જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.બાકીની 2 મેચ ડ્રો રહી છે.ભારતે આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1968માં રમી હતી.આ મુકાબલામાં ભારતીય ટીમે યજમાન ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું.આ જ મેદાન પર ભારતની એકમાત્ર ટેસ્ટ જીત છે.એટલે કે ભારતીય ટીમને અહીં બીજી જીત મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

2020માં 10 વિકેટે હાર્યું હતું ભારત

ભારતીય ટીમે વેલિંગ્ટનના આ મેદાન પર પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2020માં રમી હતી.આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.હવે લગભગ 6 વર્ષ બાદ ભારતીય ટીમ ફરી એકવાર આ મેદાન પર ટેસ્ટ મેચ રમવા ઉતરશે.શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમની નજર આ વખતે જૂના રેકોર્ડમાં સુધારો કરવા પર રહેશે.ભારતે તાજેતરમાં મર્યાદિત ઓવરોની બંને સિરીઝ જીતી હોવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ પણ વધેલો હશે.

ન્યૂઝીલેન્ડનો પણ જાણો રેકોર્ડ

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં યજમાન ન્યૂઝીલેન્ડનો ટેસ્ટ રેકોર્ડ પણ રસપ્રદ છે. કીવી ટીમે આ મેદાન પર અત્યાર સુધી કુલ 70 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 24 મેચમાં જીત મેળવી છે, જ્યારે 22 મેચમાં હારનો સામનો કર્યો છે. બાકીની 24 મેચ ડ્રો રહી છે.ન્યૂઝીલેન્ડે આ મેદાન પર રમેલી છેલ્લી 5 ટેસ્ટ મેચમાંથી 3માં જીત મેળવી છે, જ્યારે 2 મેચમાં પરાજય થયો છે.આ આંકડા દર્શાવે છે કે ઘરઆંગણે કીવી ટીમને આ મેદાનનો સારો અનુભવ છે.

શુભમન ગિલ સામે 58 વર્ષ જૂનો પડકાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ 19 નવેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ માટે આ મેચ માત્ર સિરીઝની શરૂઆત નથી, પરંતુ વેલિંગ્ટનમાં પોતાના જૂના રેકોર્ડને સુધારવાની તક પણ છે.ટીમ ઈન્ડિયા 1968માં મળેલી જીત બાદ આ મેદાન પર બીજી જીત મેળવવા માટે ઉતરશે. હવે જોવાનું રહેશે કે શુભમન ગિલની ટીમ વેલિંગ્ટનમાં ઇતિહાસ બદલી શકે છે કે નહીં.

આ પણ વાંચો- MS Dhoni Retires થી 15 વર્ષનો વૈભવ ભાવુક, જૂની તસવીર શેર કરી આપી વિદાય!