ભારત અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની 3 મેચની યુથ વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી દીધું છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે સિરીઝ 3-0થી પોતાના નામે કરી. ભારતની જીતના હીરો કેપ્ટન લક્ષ્ય રાયચંદાની રહ્યા, જેમણે 106 બોલમાં અણનમ 110 રન ફટકારીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની શરૂઆત સારી રહી હતી. ઝેડ હોલિકે 88 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી. તેણે 12 બાઉન્ડ્રી ફટકારી. નીલ પટેલે પણ 71 બોલમાં 51 રન બનાવ્યા. બંનેએ બીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. પરંતુ હોલિકની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ ધીમી પડી ગઈ. મોહીત ઉલ્વાએ 3 વિકેટ અને મનાલ ચૌહાણે પણ 3 વિકેટ ઝડપી. આ કારણે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 48.4 ઓવરમાં 254 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
લક્ષ્ય રાયચંદાનીની શાનદાર સદી
255 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીર સેહવાગે સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી. આર્યવીર સેહવાગે 33 રન બનાવ્યા બાદ જેકબ પીટ્ઝની બોલિંગમાં આઉટ થયો. ત્યારબાદ વી.કે. વિનીત સસ્તામાં આઉટ થયો, પરંતુ લક્ષ્ય રાયચંદાનીએ એક છેડો મજબૂતીથી સંભાળી રાખ્યો. તેણે કુશાગ્ર ઓઝા સાથે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ ભારતની જીતનો પાયો મજબૂત કરી દીધો. કુશાગ્ર ઓઝા આઉટ થયા બાદ રજત બાગેલે ઝડપી બેટિંગ કરી. તેણે માત્ર 34 બોલમાં અણનમ 44 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. બીજી તરફ લક્ષ્યે પોતાની સદી પૂરી કરીને ભારતને સરળતાથી જીત અપાવી. લક્ષ્ય રાયચંદાની 106 બોલમાં 110 રન બનાવીને અણનમ રહ્યા. તેમની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. ભારતે 41.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવીને મેચ જીતી લીધી. એટલે કે ભારતે 49 બોલ બાકી રાખીને જીત મેળવી.
