હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. મોંગ કોકમાં રમાયેલી 6-6 ઓવરની આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 88 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને માત્ર 23 બોલમાં લક્ષ્યાંક હાંસલ કરીને એકતરફી જીત મેળવી હતી. પાકિસ્તાનની જીતનો સૌથી મોટો હીરો અબ્બાસ અફ્રિદી રહ્યો હતો. તેણે માત્ર 8 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ભારતીય કેપ્ટન કૃણાલ પંડ્યાની એક જ ઓવરમાં સતત 5 છગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય બેટિંગ રહી નિરાશાજનક
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર રાહુલ ત્રિપાઠી માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે નીતિશ રાણાએ 14 બોલમાં 19 રન બનાવ્યા હતા.જોકે, શશાંક સિંહે આક્રમક બેટિંગ કરીને ભારતીય ઇનિંગને વેગ આપ્યો હતો. તેણે માત્ર 11 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 40 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગના કારણે ભારત 88 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.બીજી તરફ, ભારતીય કેપ્ટન કૃણાલ પંડ્યા પ્રથમ જ બોલે આઉટ થઈ ગયો હતો. રાહુલ તેવતિયા પણ ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો. નટરાજે 6 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. શશાંક સિવાય અન્ય બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
https://x.com/CallMeSheri1_/status/2116070060926148770?a=WS2k124PRvwqpbiMmSs&s=20
કૃણાલ પંડ્યાની એક ઓવરમાં 5 છગ્ગા
89 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. ખ્વાજા નફે અને કેપ્ટન અબ્બાસ અફ્રિદીએ ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું હતું.ખાસ કરીને અબ્બાસ અફ્રિદીએ કૃણાલ પંડ્યાની બોલિંગમાં તોફાની બેટિંગ કરી હતી. તેણે કૃણાલની એક જ ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.અબ્બાસે માત્ર 8 બોલમાં 5 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. તેની આક્રમક બેટિંગના કારણે પાકિસ્તાન માટે લક્ષ્યાંક હાંસલ કરવો સરળ બની ગયો હતો.
ખ્વાજા નફેની પણ તોફાની ઇનિંગ
અબ્બાસ અફ્રિદી ઉપરાંત ખ્વાજા નફેએ પણ ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 12 બોલમાં 41 રન ફટકાર્યા હતા.ત્યારબાદ અબ્દુલ સમદે અણનમ 7 રન બનાવ્યા હતા, જ્યારે ઇરફાન ખાને પ્રથમ જ બોલે છગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.આ રીતે પાકિસ્તાને ભારતે આપેલો 89 રનનો લક્ષ્યાંક માત્ર 23 બોલમાં હાંસલ કરી લીધો હતો અને 4 વિકેટે મેચ જીતી હતી.
હવે UAE સામે રમશે ભારતીય ટીમ
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમની નજર હવે આગામી મેચ પર રહેશે. ભારતે હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટમાં પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરે UAE સામે રમવાની છે. હવે ભારતીય ખેલાડીઓ આ મેચમાં સારો દેખાવ કરીને વાપસી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - ShreyasIyerએ રચ્યો ઇતિહાસ, આ મામલે બનાવ્યો ખાસ રેકોર્ડ