વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર જોવા મળશે.દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે અગાઉ બાંગ્લાદેશને હરાવીને ખિતાબી મુકાબલામાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. હવે 13 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ટ્રોફી માટે જંગ થશે.બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 18.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ હાર સાથે પાકિસ્તાનની ટૂર્નામેન્ટની સફર સમાપ્ત થઈ ગઈ છે.

ફાતિમા સનાએ પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું

પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. 17 ઓવર સુધી ટીમનો સ્કોર 5 વિકેટે માત્ર 96 રન હતો. ત્યારબાદ કેપ્ટન ફાતિમા સનાએ ઝડપી બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.ફાતિમા સનાએ 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા. તુબા હસને 12 રન બનાવીને અણનમ રહી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે છેલ્લી 24 બોલમાં 38 રનની અણનમ ભાગીદારી થઈ હતી. તેના કારણે પાકિસ્તાન 130 રન સુધી પહોંચી શક્યું.શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અતાપટ્ટુએ 2 વિકેટ ઝડપી હતી.

https://x.com/ACCMedia1/status/2098471126179713295?s=20

શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી

131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી હતી. બીજા ઓવરમાં ફાતિમા સનાએ સતત 2 બોલમાં કેપ્ટન ચમારી અતાપટ્ટુ અને સંજના કવિંદીને આઉટ કરી દીધા. સંજના પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી.છઠ્ઠી ઓવર સુધી શ્રીલંકાનો સ્કોર 33 રન હતો અને ટીમની 4 વિકેટ પડી ચૂકી હતી. આવી સ્થિતિમાં હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલહરીએ શાનદાર ભાગીદારી કરીને મેચની દિશા બદલી નાખી.હર્ષિતાએ 36 રન જ્યારે કવિશાએ 33 રન બનાવ્યા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 67 રનની મહત્વની ભાગીદારી થઈ. આ ભાગીદારીએ શ્રીલંકાને જીતની નજીક પહોંચાડી દીધું.

પાકિસ્તાન ટૂર્નામેન્ટ માંથી બહાર 

ફાતિમા સનાએ બંને બેટર્સને આઉટ કરીને શ્રીલંકાને 109 રનમાં 6 વિકેટની સ્થિતિમાં પહોંચાડ્યું હતું,પરંતુ ત્યાં સુધીમાં મેચ પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગઈ હતી.નિલાક્ષી ડી સિલ્વાએ માત્ર 10 બોલમાં 18 રનની અણનમ ઇનિંગ્સ રમીને શ્રીલંકાને જીત અપાવી.ફાતિમા સનાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન માટે સૌથી વધુ 4 વિકેટ ઝડપી.જોકે,તેના ઓલરાઉન્ડ પ્રયાસ છતાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.હવે 13 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલ રમાશે.બંને ટીમો વચ્ચેની આ ખિતાબી ટક્કર પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો - INDVsJPN : ભારત સામે જાપાનના કેપ્ટનનો હૂંકાર, ‘માત્ર રમવા નહીં, દમ બતાવવા ઉતરીશું’