ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની ટી20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે.સીરિઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે લખનઉમાં રમાશે.જોકે સીરિઝની ત્રીજી T20 મેચને લઈને અત્યારથી જ એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી T20 માટે પિચ આધુનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવી રહી છે. મિડિયારિપોર્ટ અનુસાર,આ પિચ તૈયાર કરવામાં ઈંગ્લેન્ડમાં થયેલી પિચ રિસર્ચને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે.પિચની માટી,ભેજ,ઘાસના મૂળ અને બોલના ઉછાળાને ધ્યાનમાં રાખીને આધુનિક પદ્ધતિથી સપાટી તૈયાર કરવામાં આવી રહી છે.
200, 500 અને 750 કિલોના આધુનિક રોલર
હોલ્કર સ્ટેડિયમની પિચ તૈયાર કરવામાં આ વખતે સામાન્ય જૂના પ્રકારના મેન્યુઅલ રોલરની જગ્યાએ 200, 500 અને 750 કિલોના વૈજ્ઞાનિક રોલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ રોલર કદમાં સામાન્ય રોલર કરતાં મોટા છે અને હોલ્કર સ્ટેડિયમમાં પ્રથમ વખત તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ત્રણેય રોલર ચેન્નાઈથી મંગાવવામાં આવ્યા છે.પિચ પર કેટલું દબાણ આપવું તે નક્કી કરવા માટે માટીમાં રહેલી ભેજ અને સપાટીની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે, માત્ર ભારે રોલર ચલાવીને પિચને સખત બનાવવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી રોલિંગ કરવામાં આવશે.
ઈંગ્લેન્ડની રિસર્ચથી શું જાણવા મળ્યું?
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લેન્ડની ક્રેનફિલ્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધનમાં પિચની ભેજ,માટીની સ્થિતિ અને રોલરના દબાણ અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે.આ સંશોધનમાં મેચ દરમિયાન પિચની સપાટી કેવી રીતે વર્તે છે તેના પર રોલિંગ અને ભેજની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.સામાન્ય રીતે ક્રિકેટમાં એવી માન્યતા જોવા મળે છે કે ભારે રોલર ચલાવવાથી પિચ વધુ સખત બને છે અને બેટિંગ માટે અનુકૂળ થઈ શકે છે.જોકે, આધુનિક પિચ સાયન્સ અનુસાર માત્ર રોલરનું વજન જ મહત્વનું નથી.પિચમાં રહેલી ભેજ અને તેની માટીની રચના પ્રમાણે રોલિંગનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. જો ભેજ અને રોલિંગ વચ્ચે યોગ્ય સંતુલન ન હોય, તો વધારે દબાણ પિચની સપાટીની ગુણવત્તા પર અસર કરી શકે છે.
BCCIના નિર્દેશથી ઈન્દોર પહોંચ્યા રોલર
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં 200, 500 અને 750 કિલો વજનના કુલ 3 આધુનિક રોલર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.મિડિયા રિપોર્ટ અનુસાર,આ રોલર ચેન્નાઈથી મંગાવવામાં આવ્યા છે.મેચ પહેલાં મેદાનની સ્થિતિ અને હવામાનને ધ્યાનમાં રાખીને આ રોલરનો ઉપયોગ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના CEO રોહિત પંડિતે જણાવ્યું હતું કે આધુનિક રોલર પિચ તૈયાર કરવાની પ્રક્રિયામાં એક નવો વિકાસ છે અને તેનો ઉપયોગ પિચ તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે.તેમના જણાવ્યા અનુસાર,BCCI તરફથી આ આધુનિક રોલરની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી.હવે જોવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડની પિચ રિસર્ચ અને આધુનિક રોલિંગ પદ્ધતિથી તૈયાર થનારી હોલ્કર સ્ટેડિયમની પિચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી ટી20માં બેટ્સમેન કે બોલરોમાંથી કોને વધુ મદદ કરે છે.
આ પણ વાંચો- IND vs WI : ટી20 સીરિઝ પહેલાં વેસ્ટ ઈન્ડિઝનો મોટો નિર્ણય, આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી