ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુરુવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીતના હીરો કેપ્ટન લક્ષ્ય રાયચંદાણી રહ્યા, જેમણે 90 બોલમાં 93 રનની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ, પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે પણ અડધી સદી ફટકારી હતી. હવે ભારતનો મુકાબલો ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે. 

અફઘાનિસ્તાને આપ્યો હતો 228 રનનો ટાર્ગેટ

ઓમાનના અલ અમરાતમાં રમાયેલી આ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને 50 ઓવરમાં 8 વિકેટે 227 રન સુધી રોક્યું હતું. અફઘાનિસ્તાન તરફથી વિકેટકીપર નોમન સલારઝાઈ અને શાહ ફૈસલ રહીમીએ 51-51 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝડપી બોલર ઈશાન સૂડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મધ્યની ઓવરોમાં ભારતીય સ્પિનરોએ પણ અફઘાન બેટરો પર દબાણ બનાવ્યું હતું.

લક્ષ્ય રાયચંદાણીની 93 રનની શાનદાર ઇનિંગ્સ

228 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન લક્ષ્ય રાયચંદાણી અને આર્યવીર સહેવાગે સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી. આર્યવીરે 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. 56 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ તે આગલા જ બોલે આઉટ થયો હતો. બીજી તરફ લક્ષ્ય રાયચંદાણીએ 90 બોલમાં 93 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તેણે 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, સદીથી માત્ર સાત રન દૂર હતો ત્યારે તે કેચ આઉટ થયો હતો.

વીકે વિનીથે પણ અડધી સદી ફટકારી

લક્ષ્ય આઉટ થયા બાદ વીકે વિનીથે જવાબદારી સંભાળી હતી. તેણે અણનમ 57 રન બનાવ્યા હતા. લક્ષ્ય અને વિનીથ વચ્ચે બીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. વિનીથે 61 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતે માત્ર 36.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 230 રન બનાવી લીધા હતા અને આઠ વિકેટે મેચ જીતી લીધી હતી.

ફાઇનલમાં પાકિસ્તાન સામે બદલો લેવાની તક

હવે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાને બીજી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ખાસ વાત એ છે કે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે 14 નવેમ્બરે યોજાનારી ફાઇનલમાં ભારતીય યુવા ટીમ પાસે તે હારનો બદલો લઈને એશિયા કપનો ખિતાબ જીતવાની તક રહેશે. 

આ પણ વાંચો: 'Hardik Pandyaએ ગુજરાત છોડીને કરી મોટી ભૂલ' મુંબઈમાં જઈને પાછળ ધકેલાયો !