દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવીને 3 મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. આ પરિણામ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને સરકી ગયું છે.
ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો
ઓસ્ટ્રેલિયાની આ હારથી તેની ફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ભારતીય ટીમ હજુ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. હવે સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા બાકીની ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને WTC ફાઇનલમાં સ્થાન મેળવી શકશે? ચાલો જાણીએ ભારત માટે ફાઇનલમાં પહોંચવાના સમીકરણો.
WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને ભારત
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ભારતીય ટીમની સ્થિતિ પર નજર કરીએ તો ટીમ ઇન્ડિયા હાલમાં 51.52 ટકા પોઇન્ટ્સ પર્સેન્ટેજ (PCT) સાથે ચોથા સ્થાને છે.બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 69.23 PCT સાથે ત્રીજા સ્થાને છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પોઇન્ટ્સ પર્સેન્ટેજમાં મોટો તફાવત છે. ખાસ વાત એ છે કે WTC 2025-27ના ચક્રમાં ભારતે હજુ 7 ટેસ્ટ મેચ રમવાની બાકી છે.WTCના નિયમ પ્રમાણે પોઇન્ટ ટેબલમાં પ્રથમ 2 સ્થાને રહેનારી ટીમો જ ફાઇનલમાં પ્રવેશ મેળવે છે. તેથી ભારતીય ટીમ માટે હવે બાકીની તમામ મેચો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
ટીમ ઇન્ડિયા કેવી રીતે ફાઇનલમાં પહોંચી શકે?
ભારતીય ટીમે આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આમ, ભારત પાસે કુલ 7 ટેસ્ટ મેચ બાકી છે.ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે આ તમામ મેચોમાં શક્ય તેટલી વધુ જીત મેળવવી પડશે. જો ભારત બાકીની 7 મેચ જીતી જાય તો તેનું પોઇન્ટ્સ પર્સેન્ટેજ વધીને 70.37 ટકા થઈ શકે છે.આટલા પોઇન્ટ્સ સાથે ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ મજબૂત બની શકે છે. જોકે, અન્ય ટીમોનાં પરિણામો પણ અંતિમ સમીકરણમાં મહત્વપૂર્ણ રહેશે.
એક હાર પણ ભારતનું ગણિત બગાડી શકે છે
ભારત માટે હવે દરેક ટેસ્ટ મેચ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઇન્ડિયા બાકીની 7 મેચમાંથી 6 જીતે તો તેનું PCT 64.8 ટકા રહેશે. જ્યારે 5 જીત સાથે 59.25 ટકા અને 4 જીત સાથે 53.70 ટકા PCT થઈ શકે છે.આ આંકડા દર્શાવે છે કે ભારતે ફાઇનલની દોડમાં ટકી રહેવા માટે આગામી મેચોમાં સતત સારું પ્રદર્શન કરવું પડશે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મોટો પડકાર
ભારત માટે સૌથી મોટો પડકાર ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચ રહેશે. આ બંને શ્રેણીમાં ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.જો ભારત ન્યૂઝીલેન્ડ સામે 0-2થી હારી જાય અને ત્યારબાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 0-5થી શ્રેણી ગુમાવે તો ટીમ ફાઇનલની દોડમાંથી બહાર થઈ શકે છે.હાલની સ્થિતિ જોતાં ભારતીય ટીમ માટે બાકીની તમામ 7 મેચ જીતવી સૌથી અનુકૂળ સ્થિતિ બની શકે છે. જોકે, WTC ફાઇનલમાં પહોંચવાનું અંતિમ ગણિત અન્ય ટીમોનાં પરિણામો અને પોઇન્ટ્સ પર્સેન્ટેજ પર પણ નિર્ભર રહેશે.
આ પણ વાંચો - FAKHAR ZAMANનો ઐતિહાસિક ધમાકો! સંગાકારાની બરાબરી, વિરાટનો રેકોર્ડ હજુ અતૂટ