IPL 2026 ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. ઘણા ક્રિકેટ પંડિતો અને અનુભવી ખેલાડીઓ આ ટાઈટલ મેચ વિશે વિવિધ ભવિષ્યવાણી કરી રહ્યા છે.
આ દરમિયાન સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન અને RCBના ભૂતપૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે કેટલીક બોલ્ડ ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે IPL 2026ની ફાઈનલમાં વિરાટ કોહલી અડધી સદી ફટકારશે, જ્યારે કેપ્ટન રજત પાટીદાર મેચનો સૌથી મોટો હીરો સાબિત થશે.
એબી ડી વિલિયર્સે કરી મોટી ભવિષ્યવાણી
IPL 2026ની ફાઇનલ પહેલા સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા એબી ડી વિલિયર્સે એક બોલ્ડ ભવિષ્યવાણી કરી હતી, જેમાં કહ્યું હતું કે, "RCBના કેપ્ટન રજત પાટીદાર ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી શકે છે." વધુમાં તેમને આશા વ્યક્ત કરી હતી કે RCB ના કેપ્ટન 200 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે ગુજરાતના બોલરો પર હુમલો કરશે. રજત પાટીદારે અગાઉ ક્વોલિફાયર 1 માં ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ચોથા નંબર પર બેટિંગ કરતા RCBના કેપ્ટને માત્ર 33 બોલમાં અણનમ 93 રન બનાવ્યા. તેમની વિસ્ફોટક ઈનિંગમાં 9 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. રજત પાટીદારની વિસ્ફોટક બેટિંગને કારણે RCB એ 20 ઓવરમાં 254/5 નો વિશાળ સ્કોર બનાવ્યો. ત્યારબાદ ટીમ 92 રનથી જીતી ગઈ અને સીધી ફાઈનલમાં પહોંચી ગઈ.
https://twitter.com/CricCrazyJohns/status/2061009825199439910
રજત પાટીદારનું બેટ આ સિઝનમાં સતત રન બનાવી રહ્યું છે. તેમને અત્યાર સુધી 14 મેચમાં 44.18 ની એવરેજ અને 196.76 ના સ્ટ્રાઈક રેટથી 486 રન બનાવ્યા છે. તેથી ફાઈનલમાં પણ તેમની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા છે.
વિરાટ કોહલી અડધી સદી ફટકારશે!
એબી ડી વિલિયર્સે પોતાના નજીકના મિત્ર વિરાટ કોહલીની પણ ખૂબ પ્રશંસા કરી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટનને વિશ્વાસ છે કે વિરાટ કોહલી ફાઈનલ જેવી મોટી મેચમાં બીજી યાદગાર ઈનિંગ રમશે. વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે, તેને અત્યાર સુધીમાં 15 મેચમાં 600 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. એબી ડી વિલિયર્સ માને છે કે વિરાટ ફાઈનલમાં ઓછામાં ઓછી એક અડધી સદી ચોક્કસ ફટકારશે.
રાશિદ ખાન વિશે પણ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી
એબી ડી વિલિયર્સે ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અંગે પણ એક રસપ્રદ ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે આરસીબીના બેટ્સમેન ફાઈનલમાં રાશિદ ખાન સામે આક્રમક વલણ અપનાવશે અને તેમને 10 થી વધુના ઈકોનોમી રેટથી રન ચૂકવવા પડી શકે છે.
રાશિદ ખાને આ સિઝનમાં અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે, પરંતુ તેમનો ઈકોનોમી રેટ 9.29 છે. એ જોવું રસપ્રદ રહેશે કે ડી વિલિયર્સની ભવિષ્યવાણી ફાઈનલમાં સાચી સાબિત થાય છે કે નહીં. હવે બધાની નજર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છે, જ્યાં નક્કી થશે કે આરસીબી આઈપીએલ 2026 ટ્રોફી જીતશે કે ગુજરાત ટાઈટન્સ ફરી એકવાર ચેમ્પિયન બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?