અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને હરાવીને સતત બીજી વખત IPL ટ્રોફી જીતી છે, જે ટીમ માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

https://twitter.com/sandeshnews/status/2061152052995359058


RCBના બોલરોનું પણ શાનદાર પ્રદર્શન

ફાઈનલ મેચમાં RCBએ બેટિંગ અને બોલિંગ બંને શાનદાર પ્રદર્શન કર્યું. ટોસ બાદ પ્રથમ બેટિંગ ગુજરાતની ટીમે 155 રન બનાવ્યા અને જીત માટે 156 રનનો ટાર્ગેટ RCBને આપ્યો હતો, જેને સરળતાથી ટીમે ચેઝ કર્યો અને ફરી વખત ટાઈટલ જીત્યું. પ્રથમ બોલિંગ કરતા RCBના બોલરો દ્વારા સતત દબાણ બનાવવામાં આવ્યું, જેના કારણે GTની ટીમ મોટી ભાગીદારી કરી શકી નહોતી અને અંતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી

આ જીતનો સૌથી મોટો હીરો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી રહ્યો. તેણે માત્ર 42 બોલમાં 75 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તેની આ ઇનિંગે મેચનો દિશા બદલી નાખી હતી અને RCBને મોટો ફાયદો અપાવ્યો હતો. RCBએ આ જીત સાથે ફરી એકવાર સાબિત કર્યું છે કે ટીમ હવે માત્ર સ્ટાર પાવર પર નહીં પરંતુ ટીમવર્ક અને સ્ટ્રેટેજી પર આધારિત સફળતા મેળવી રહી છે. બોલિંગ યુનિટે પણ મહત્વપૂર્ણ વિકેટો લઈ મેચ પર પકડ બનાવી રાખી હતી.

RCBના ફેન્સે જીતનો જશ્ન મનાવ્યો

જીત બાદ સમગ્ર સ્ટેડિયમમાં RCBના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફેન્સે ડાન્સ કરીને, ફટાકડા ફોડીને અને ‘RCB, RCB’ના નારા લગાવીને ઉજવણી કરી. સોશિયલ મીડિયા પર પણ RCBની જીતને લઈને શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. આ જીત સાથે RCBએ IPL ઇતિહાસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે અને સતત બીજી ટ્રોફી જીતવાનો ગૌરવ હાંસલ કર્યો છે. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ માટે આ સિઝન યાદગાર બની ગઈ છે.

આ પણ વાંચો : IPL 2026 Closing Ceremony: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શિવના નાદથી ગુંજ્યું, કૈલાશ ખેરે ફેન્સને કર્યા મંત્રમુગ્ધ