IPL 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ ટકરાશે. બંને ટીમો 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. RCB પાસે સતત બીજા વર્ષે ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફેન્સ વર્ષોથી ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા, અને તેમની ઈચ્છા IPL 2025માં પૂર્ણ થઈ. RCB પાસે ટ્રોફી જીતીને તેના ફેન્સને બેવડી ભેટ આપવાની તક છે. પરંતુ બેંગલુરુના ફેન્સ જીતનું સેલિબ્રેશન કરી શકશે નહીં.

પોલીસે બેંગલુરુમાં સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદ્યો

બેંગલુરુ પોલીસે RCB ના IPL 2026 ફાઈનલ પહેલા એક મોટી જાહેરાત કરી છે. ગયા વર્ષે પ્રથમ વખત ટ્રોફી જીત્યા પછી, RCB એ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેના પરિણામે 11 લોકોનાં મોત થયા હતા. પાછળથી આ માટે RCBની ભૂલ અને પોલીસની બેદરકારી જવાબદાર હોવાનું જણાવાયું હતું.

બેંગલુરુ પોલીસ આ વર્ષે કોઈ જોખમ લેવા માગતી નથી. તેથી તેમને નાગરિકોને શિસ્ત અને શાંતિ જાળવવા વિનંતી કરતી એક એડવાઈઝરી જાહેર કરી છે. બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે તેઓ અનિચ્છનીય ઘટનાઓ, ટ્રાફિક જામ અને કાયદો અને વ્યવસ્થાના ભંગાણને ટાળવા માટે સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. એડવાઈઝરી મુજબ જાહેર સ્થળોએ સેલિબ્રેશન પર પ્રતિબંધ છે.

બાઈક રેલી અને ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ

પોલીસે મેચ જોવા માટે મોટી LED સ્ક્રીનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેમને મોલ, પબ અને અન્ય સ્થળોએ જાહેર જનતા માટે લાઈવ પ્રસારણનું આયોજન ન કરવા વિનંતી કરી છે. ફટાકડા અને બાઈક રેલી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્થળોએ આલ્કોહોલ પીવા અને ઝઘડામાં ઉતરવા પર કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?