ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને એક મોટું સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં ક્રિકેટની દુનિયામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કર્યા.

આ ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. હરમનપ્રીત કૌર પંજાબની રહેવાસી છે. મોગા જેવા નાના શહેરમાંથી આવીને, તેણે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં તેણે ભારતીય મહિલા ટીમને પ્રથમ ODI વર્લ્ડકપ જીત અપાવીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ બાદ તેનું નામ પદ્મ પુરસ્કારોની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ

હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ, 1989 ના રોજ પંજાબના મોગામાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહી હરમનને નાની ઉંમરે જ આ રમતમાં પગ મુક્યો હતો. તેણે 2009 માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહી છે.

https://twitter.com/ANI/status/2058878382973370519

હરમનપ્રીત કૌરે ભારત માટે 7 ટેસ્ટ મેચ, 164 વનડે અને 195 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 230 રન, વનડેમાં 4541 રન અને T20 મેચમાં 3991 રન બનાવ્યા છે.

હરમનપ્રીત કૌરે પોતાના કરિયરમાં ભારત માટે ઘણી મેચો જીતી છે. 2017ના ODI વર્લ્ડકપમાં તેની અણનમ 171 રનની ઈનિંગ હજુ પણ યાદ કરવામાં આવે છે, જેણે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તેની પ્રતિભા દર્શાવી હતી. તેણે ભારતને 2017ના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચાડ્યું હતું.

તાજેતરમાં મળેલી ODI વર્લ્ડકપ જીત તેના કરિયરની સૌથી મોટી સિદ્ધિ હતી, તેની કેપ્ટનશીપ અને બેટિંગે ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. હવે તેની નજર 2026ના T20 વર્લ્ડકપ પર છે.

પ્રવીણ કુમારને પદ્મશ્રી પણ મળ્યો

પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પેરા-હાઈ જમ્પર પ્રવીણ કુમારને રમતગમતમાં શાનદાર યોગદાન બદલ પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના યુવાન ખેલાડી પ્રવીણ કુમારની વાર્તા પ્રેરણાદાયક છે. એક પગમાં અપંગતા સાથે જન્મ્યા હોવા છતાં, તેમને ક્યારેય હાર માની નહીં. T64 કેટેગરીમાં વિશ્વના નંબર 1 પેરા-હાઈ જમ્પર પ્રવીણે પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને એશિયન રેકોર્ડ પણ બનાવ્યો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?