IPL 2026ની પહેલી ક્વોલિફાયર મેચ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ વેંકટેશ ઐયરની વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.

કાગીસો રબાડા હવે એક જ IPL સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેને આ સંદર્ભમાં મોહમ્મદ શમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

IPL 2026માં કાગીસો રબાડાએ અત્યાર સુધીમાં પાવરપ્લેમાં કેટલી વિકેટ લીધી છે?

કાગીસો રબાડા પહેલા મોહમ્મદ શમીના નામે IPL સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હતો. તેને IPL 2023માં પાવરપ્લેમાં 17 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી તે સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો ભાગ હતો.

કાગીસો રબાડાએ ચાલુ IPL સિઝનમાં પ્રથમ 6 ઓવરમાં 18 વિકેટ લીધી છે, જેના કારણે તેને મોહમ્મદ શમીને પાછળ છોડ્યો છે. મિચેલ જોહ્ન્સન અને ટ્રેન્ટ બોલ્ટ આ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે. જોહ્ન્સને IPL 2013માં પાવરપ્લેમાં 16 વિકેટ લીધી હતી. બોલ્ટે IPL 2020માં પાવરપ્લેમાં 16 વિકેટ લીધી હતી.

કાગીસો રબાડાએ પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો

કાગીસો રબાડા આઈપીએલના ઈતિહાસમાં એક કરતાં વધુ ફ્રેન્ચાઈઝી માટે 25 વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બન્યો છે. તેને આ સિઝનમાં 15 મેચમાં 25 વિકેટ લીધી છે. અગાઉ તેને 2019 માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બોલિંગ કરીને 25 વિકેટ લીધી હતી. તે સિઝનમાં તેને 12 મેચમાં 25 વિકેટ લીધી હતી. ત્યારબાદ 2020 માં તે દિલ્હી માટે પણ રમ્યો, 17 મેચમાં 30 વિકેટ લીધી.

ગુજરાતે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો

RCB અને GT વચ્ચેની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ માટે ગુજરાતે તેમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો. તેમને અરશદ ખાનની જગ્યાએ કુલવંત ખેજરોલિયાને ટીમમાં સામેલ કર્યા. આ દરમિયાન RCBએ આ મહત્વપૂર્ણ મેચ માટે ફાસ્ટ બોલર જેકબ ડફીને તેમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?