ઈન્ડિયન પ્રીમિયર લીગનો 69મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાન સામે રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ હારનો સામનો કરવો પડ્યો. તેમના ખરાબ પ્રદર્શને પ્લેઓફ માટેનું તેમનું સમીકરણ બગાડી નાખ્યું.
છેલ્લી લીગ સ્ટેજ મેચમાં રાજસ્થાન સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડે રવિવારે સ્વીકાર્યું કે કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયો. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું.
કાયરન પોલાર્ડે કર્યો મોટો ખુલાસો
કાયરન પોલાર્ડે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે ખુલ્લેઆમ વાત કરતા કહ્યું કે આ સિઝન હાર્દિકે કે ટીમ મેનેજમેન્ટે જે આશા રાખી હતી તે રહી નથી. મેચ પછી મીડિયા સાથે વાત કરતા તેમને કહ્યું કે "નેતૃત્વના દૃષ્ટિકોણથી, બધું હાર્દિકના મતે થયું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે: અમે તેને ટીમનું નેતૃત્વ કરવા અને સફળ થવા માટે દરેક તક આપી."
પરંતુ કાયરન પોલાર્ડે ટીમના ખરાબ પ્રદર્શન માટે કોઈ એક ખેલાડીને દોષ આપવાની સ્પષ્ટ ના પાડી હતી. 14 મેચમાં ટીમની 10મી હાર બાદ તેમને કહ્યું કે તે આખી ટીમની સામૂહિક નિષ્ફળતા છે અને દરેકે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તેમને કહ્યું કે "અહીં બેસીને કોઈ એક ખેલાડીને દોષ આપવો યોગ્ય રહેશે નહીં. હાર્દિક પોતાનો બેસ્ટ પ્રયાસ કરી રહ્યો હતો, અમે બધા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ અમારા મતે ન થઈ. હવે આપણે આપણી ભૂલોમાંથી શીખવાની જરૂર છે. આપણે બેસીને સમીક્ષા કરીશું અને શોધીશું કે આગળ જતાં ટીમ માટે શું સારું હોઈ શકે છે. આશા છે કે આગામી 12 મહિનામાં આપણે વધુ મજબૂત બનીને પાછા આવીશું."
કાયરન પોલાર્ડે મોટા ફેરફારોની શક્યતા વિશે કરી વાત
કાયરન પોલાર્ડે ટીમમાં મોટા ફેરફારોની શક્યતા પર પણ ધ્યાન દોર્યું. તેમને કહ્યું કે આ સમયે ભાવનાઓના આધારે કોઈપણ નિર્ણય લેવો અન્યાયી રહેશે, પરંતુ કેટલાક પાસાઓની ચોક્કસપણે સમીક્ષા કરવામાં આવશે. કાયરન પોલાર્ડના મતે "આ અંગે ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને શાંતિથી સમજવા માટે થોડો સમય જોઈએ છે કે ખામીઓ ક્યાં છે. કોઈપણ ઉતાવળિયો નિર્ણય ટીમ મેનેજમેન્ટ તરફથી બેજવાબદારીભર્યો હશે."
કાયરન પોલાર્ડે જસપ્રીત બુમરાહ વિશે કહી આ વાત
પોલાર્ડે જસપ્રીત બુમરાહને અંતિમ લીગ મેચ માટે આરામ આપવાના નિર્ણયનો પણ બચાવ કર્યો . તેમને તેને ટીમ અને ભારતીય ક્રિકેટ બંનેના હિતમાં લેવાયેલો સમજદારીભર્યો નિર્ણય ગણાવ્યો. કાયરન પોલાર્ડે કહ્યું કે "જસપ્રીત એક એવો ખેલાડી છે જે હંમેશા પોતાનું 100 ટકા આપે છે. પરંતુ જો આપણે આ મેચ જીતીએ તો પણ આપણી પાસે ફક્ત 2 પોઈન્ટ જ રહેશે. તેથી અમારે ખેલાડીની ફિટનેસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખવાનું હતું. તે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંપત્તિ છે, તેથી તેની સાથે સમજદારીભર્યો નિર્ણય લેવો મહત્વપૂર્ણ હતો."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?