ચેન્નાઈ સુપર કિંગ્સનો મહેન્દ્ર સિંહ ધોની સાથેનો સંબંધ આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ભાગીદારીમાંનો એક રહ્યો છે, પરંતુ આઈપીએલ 2026 પછી એમએસ ધોનીના ભવિષ્ય અંગે ચર્ચાઓ ફરી એકવાર તેજ થઈ ગઈ છે.
આ દરમિયાન સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું કે ફ્રેન્ચાઈઝમાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા અંગેનો અંતિમ નિર્ણય ફક્ત માહી દ્વારા જ લેવામાં આવશે. વિશ્વનાથને જણાવ્યું હતું કે સીએસકે હંમેશા મહેન્દ્ર સિંહ ધોનીને તેમની સાથે રાખવા માગશે, પછી ભલે તે ખેલાડી, કોચ અથવા મેન્ટર તરીકે હોય. ફ્રેન્ચાઈઝ માટે તે ફક્ત એક ખેલાડી નથી, પરંતુ ટીમની ઓળખનો એક ભાગ છે.
મહેન્દ્ર સિંહ ધોની જે ઈચ્છશે તે થશે
IPL 2026માં ચેન્નાઈનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું, અને ટીમ સીઝનના અંત પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. સીઝન પછી મીડિયા સાથે વાત કરતા, કાસી વિશ્વનાથને ધોનીના ભવિષ્ય વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમને કહ્યું કે "અમે હજુ સુધી મહેન્દ્ર સિંહ ધોની સાથે આ અંગે ચર્ચા કરી નથી.
એમએસ ધોની હંમેશા પોતાના નિર્ણયો જાતે લે છે, અને અમે તેનો આદર કરીએ છીએ. અમે હંમેશા ઈચ્છીએ છીએ કે તે ખેલાડી, કોચ અથવા મેન્ટર તરીકે, સીએસકેનો કાયમી ભાગ રહે. અમે તેમનું કોઈપણ ભૂમિકામાં સ્વાગત કરીશું જે તે બનવા માગે છે. અંતિમ નિર્ણય તેમના પર નિર્ભર છે."
ઋતુરાજ ગાયકવાડની પણ પ્રશંસા કરી
સીએસકેના સીઈઓએ વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની પણ પ્રશંસા કરી. તેમને કહ્યું કે એમએસ ધોની અને મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે મળીને ઋતુરાજને શાંત અને પરિપક્વ નેતા બનાવ્યો છે. વિશ્વનાથને કહ્યું કે ઋતુરાજે 3-4 વર્ષથી એમએસ ધોનીનું નજીકથી નિરીક્ષણ કર્યું છે. એમએસ ધોની અને ફ્લેમિંગે તેને ખૂબ જ શાંત નેતા બનાવ્યો છે. તેમને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તે આ ગુણોને વધુ વધારશે.
એમએસ ધોની IPL 2026માં કેમ ન રમી શક્યો?
IPL 2026માં સૌથી મોટો સવાલ એ હતો કે એમએસ ધોની મેદાનમાં કેમ ન ઉતર્યો. મીડિયા રિપોર્ટ મુજબ 44 વર્ષનો એમએસ ધોની સતત પગની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. તેના અંગૂઠામાં પણ સમસ્યા હતી, જેના કારણે તેની વાપસીની શક્યતાઓ વધુ મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ એમએસ ધોની સમગ્ર સીઝન દરમિયાન ટીમ સાથે સંકળાયેલો રહ્યો, ડગઆઉટમાં હાજર રહ્યો, ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું અને ડ્રેસિંગ રૂમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પરંતુ ઈજાઓને કારણે તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ રમી શક્યો નહીં.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?