IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ ઘણા સમય પહેલા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. ટીમ હવે 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ એક મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સે તેની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે.
ઈજાને કારણે ટીમને આ બંને ફેરફાર કરવા પડ્યા. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ ઈન્ડિયન્સના 2 ખેલાડીઓ, ક્વિન્ટન ડી કોક અને રાજ અંગદ બાવા ઈજાગ્રસ્ત થયા છે. ક્વિન્ટન ડી કોકના સ્થાને મહિપાલ લોમરોર અને રાજ બાવાના સ્થાને રુચિત આહિરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
MI છેલ્લી મેચ જીતવા માગશે
મહિપાલ લોમરોરને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝે 50 લાખ રૂપિયામાં સાઈન કર્યો છે, જ્યારે રુચિત આહિરને 30 લાખ રૂપિયામાં સાઈન કર્યો છે. તેમની અંતિમ લીગ મેચમાં મુંબઈ તેમના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા અને સીઝનનો સારા અંત કરવા માટે પ્રયત્ન કરશે.
રાજસ્થાન સામેની મેચ પહેલા મુંબઈ ટીમના સ્ટેન્ડિંગની વાત કરીએ તો, ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી, ટીમે 4 મેચ જીતી છે અને 9 હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં 8 પોઈન્ટ છે.
SRH સામેની મેચમાં ક્વિન્ટન ડી કોક થયો ઈજાગ્રસ્ત
ક્વિન્ટન ડી કોક ડાબા કાંડાની ઈજાને કારણે આ સિઝનના બાકીના મેચોમાંથી બહાર થઈ ગયો હતો. ક્વિન્ટન ડી કોકને હૈદરાબાદ સામેની મેચ દરમિયાન આ ઈજા થઈ હતી. રાજ અંગદ બાવાને પણ પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન જમણા અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે આખી સિઝન માટે બહાર થઈ ગયો હતો.
મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં મુંબઈએ જણાવ્યું હતું કે ક્વિન્ટન ડી કોક અને રાજ બાવા બંને તેમના ઘરે જ તેમનું રિહેબ ચાલુ રાખશે. તબીબી ટીમ શક્ય તમામ સહાય પૂરી પાડશે, અને અમે તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.
આ સિઝનમાં હાર્દિક અને રોહિત શર્મા પણ થયા હતા ઈજાગ્રસ્ત
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ સિઝનમાં ખેલાડીઓની ઈજાઓથી તેમના અભિયાન પર નોંધપાત્ર અસર પડી છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે કેટલીક મેચો ગુમાવી શક્યા. અનુભવી બેટ્સમેન રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બે અઠવાડિયા માટે બહાર રહ્યો હતો. ટીમના ખેલાડીઓ આ સિઝનમાં તેમના ખરાબ પ્રદર્શનને બાજુ પર રાખીને IPL 2027માં મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?