રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે IPL 2026 ના ગુજરાત ટાઈટન્સ સામેના પ્રથમ ક્વોલિફાયરમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચ્યો. તેને ટુર્નામેન્ટના પ્લેઓફ તબક્કામાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો. રજત પાટીદારે 21 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. તેને 93 રનની અણનમ ધમાકેદાર ઈનિંગ રમી.
આ સાથે રજત પાટીદાર પ્લેઓફ તબક્કામાં RCB માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. એકંદરે રજત પાટીદાર પ્લેઓફ મેચમાં અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે ત્રીજા સૌથી ઝડપી ખેલાડી બન્યો.
રજત પાટીદારની જેમ વીરેન્દ્ર સેહવાગ અને ડ્વેન સ્મિથે પણ પ્લેઓફ મેચોમાં 21-21 બોલમાં અડધી સદી પૂરી કરી છે. સુરેશ રૈના આ લિસ્ટમાં ટોપ પર છે. સુરેશ રૈનાએ 2014માં પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
IPL નોકઆઉટ/પ્લેઓફ મેચોમાં સૌથી ઝડપી અડધી સદી (બોલની દ્રષ્ટિએ)
16 બોલ - સુરેશ રૈના Vs પંજાબ કિંગ્સ, વાનખેડે, 2014
17 બોલ - એડમ ગિલક્રિસ્ટ Vs દિલ્હી કેપિટલ્સ, સેન્ચુરિયન, 2009
20 બોલ - એમએસ ધોની Vs મુંબઈ ઈન્ડિયન્સ, બેંગલુરુ, 2012
21 બોલ - ડ્વેન સ્મિથ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી, 2013
21 બોલ - વીરેન્દ્ર સેહવાગ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ, વાનખેડે, 2014
21 બોલ - રજત પાટીદાર Vs ગુજરાત ટાઈટન્સ, ધર્મશાળા, 2026
રજત પાટીદારે 281.82ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન
ગુજરાત સામેની મેચમાં રજત પાટીદારે માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને 93 રન અણનમ બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 281.82 હતો. રજત પાટીદારની ઈનિંગ એવા સમયે આવી જ્યારે વેંકટેશ ઐયર, દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડ જેવા બેટ્સમેન નિષ્ફળ ગયા.
ગુજરાતને મળ્યો મોટો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવ્યા. રજત પાટીદારે ટીમ માટે સૌથી મોટી ઈનિંગ રમી. ગુજરાતને હવે જીતવા માટે 255 રન બનાવવાની જરૂર છે. કઈ ટીમ મેચ જીતે છે અને સીધી ફાઈનલમાં પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?