IPL 2026ના પ્લેઓફમાં સ્થાન મેળવ્યા પછી રાજસ્થાન રોયલ્સ માટે એક મોટી ચિંતા છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજા સામે ઝઝૂમી રહ્યો છે, જેના કારણે તેની ફિટનેસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સંગાકારાએ ખુલાસો કર્યો કે રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક સમયથી ઈજા સાથે રમી રહ્યો છે અને ટીમ તેનું કાળજીપૂર્વક સંચાલન કરી રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીતની મેચમાં જાડેજા ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં પરત ફર્યો. તેને માત્ર 11 બોલમાં 19 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી, જેનાથી રાજસ્થાનની જીતમાં ફાળો આપ્યો. પરંતુ તે અગાઉ સતત બે મેચ માટે મેદાનની બહાર રહ્યો હતો, જેના કારણે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચો ચૂકી ગયો હતો.

રવિન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ નથી

મેચ પછી કુમાર સંગાકારાએ જાડેજાની ફિટનેસ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેને કહ્યું કે "રવિન્દ્ર જાડેજા ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને આપણે તેનું ખૂબ કાળજીપૂર્વક સંચાલન કરવું પડશે. લાંબા સમય સુધી બેટિંગ કરવાથી તેના શરીર પર ઘણો ભાર પડે છે. આશા છે કે 2 દિવસના આરામ પછી, અમે તેનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકીશું."

રવિન્દ્ર જાડેજા ઘૂંટણ અને કોણીની તકલીફથી પીડાઈ રહ્યો છે. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ તેને જરૂર પડે ત્યારે જ ફિલ્ડિંગ કરી રહ્યું છે. રાજસ્થાનના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે અગાઉ ખુલાસો કર્યો હતો કે રવિન્દ્ર જાડેજાને ઘૂંટણની નાની ઈજા છે અને તેથી જ તેને આરામ આપવામાં આવ્યો હતો.

પ્લેઓફમાં RRની મેચ SRH સાથે થશે

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પણ સંપૂર્ણપણે ફિટ નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત બાદ રિયાન પરાગે પોતે સ્વીકાર્યું કે તે ઈજા છતાં ટીમ માટે રમી રહ્યો છે. તેને કહ્યું કે તે સંપૂર્ણપણે ફિટ નથી. તે ફક્ત માનસિક શક્તિ હતી. તે આ મેચ રમવાનો ન હતો, અને કદાચ આગામી મેચ પણ નહીં, પરંતુ તે ટીમ માટે મેદાનમાં ઉતર્યો.

રિયાન પરાગે રવિન્દ્ર જાડેજાની સ્થિતિ વિશે પણ વાત કરતા કહ્યું કે જડ્ડુ ભાઈને કેટલીક નાની સમસ્યાઓ છે, પરંતુ તે એક યોદ્ધા છે અને ચોક્કસપણે વાપસી કરશે. હવે જ્યારે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે ટીમની સૌથી મોટી આશા એ રહેશે કે તેના અનુભવી ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ હોય અને નોકઆઉટ મેચોમાં રમે. રાજસ્થાન 27 મેના રોજ મુલ્લાનપુરમાં પ્લેઓફમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?