રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સને 92 રનથી હરાવ્યું. બેંગલુરુએ હવે IPL 2026ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. 255 રનના રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 162 રનમાં જ આઉટ થઈ ગયું. રજત પાટીદારની કેપ્ટનશીપમાં 93 રનની ઈનિંગ અને ત્યારબાદ બોલર્સના જોરદાર પ્રદર્શનથી RCBને ઐતિહાસિક જીત મળી.

પ્રથમ ક્વોલિફાયર જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સીધા ફાઈનલમાં પ્રવેશ કર્યો. તેઓ હવે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટ્રોફી માટે પોતાનો દાવો રજૂ કરશે. કેપ્ટન રજત પાટીદારની અણનમ 93 રનની ઈનિંગે બેંગલુરુની જીતનો પાયો નાખ્યો. તે પછી બેંગલુરુના લગભગ તમામ બોલરોએ ગુજરાત ટાઈટન્સ પર વિનાશ વેર્યો.

RCB પાંચમી વખત ફાઈનલમાં પહોંચી

IPLના ઈતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે બેંગલુરુની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા તેઓ 2009, 2011, 2016, 2025 અને હવે 2026માં ફાઈનલમાં પહોંચ્યા છે. RCB હવે સૌથી વધુ ફાઈનલમાં હાજરી આપવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પછી ત્રીજા નંબરે છે.

https://twitter.com/IPL/status/2059337228414079470

ગુજરાત ટાઈટન્સ માટે ફક્ત રાહુલ તેવતિયા જ મોટો સ્કોર કરી શક્યો. રાહુલ તેવતિયાએ 43 બોલમાં 68 રન બનાવ્યા, જે સિઝનની તેની પહેલી અડધી સદી હતી. જોસ બટલરે 29 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યા.

રજત પાટીદારે મચાવી ધૂમ

બેંગલુરુની જીતનો પાયો રજત પાટીદારની કેપ્ટનશીપ ઈનિંગથી નંખાયો હતો. તેને માત્ર 33 બોલમાં 93 રન બનાવ્યા હતા. રજત પાટીદારની વિસ્ફોટક ઈનિંગમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થયા છે. વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ 43 રનનું યોગદાન આપ્યું હતું.

રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની. આ પહેલા ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે જ આ સિદ્ધિ મેળવી છે. જેકબ ડફીના ઓપનિંગ સ્પેલથી ગુજરાતની બેટિંગ હેરાન થઈ ગઈ, મેચમાં 3 બેટ્સમેનોને આઉટ કર્યા. 2 વિકેટ લેનાર ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ ફરીથી મેળવી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?