રાજસ્થાન રોયલ્સે IPL 2026 એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. હૈદરાબાદ વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગનો સામનો કરી શક્યું નહીં. આ જીત સાથે રાજસ્થાને ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવ્યું, જ્યાં તેઓ 29 મેના રોજ ગુજરાત ટાઈટન્સનો સામનો કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ હવે IPL 2026 માંથી બહાર થઈ ગયું છે.

મુલ્લાનપુર મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા. પ્લેઓફ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં SRH તેમની નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 196 રન જ બનાવી શક્યું. હૈદરાબાદ માટે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન, ત્રણેય ઈન-ફોર્મ બેટ્સમેન નિષ્ફળ ગયા.

વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો

વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી એવી ધૂમ મચાવી દીધી કે રાજસ્થાને ફક્ત 8 ઓવરમાં જ 125 રન બનાવી લીધા હતા. વૈભવે 29 બોલમાં 97 રનની ઈનિંગ રમી. વૈભવ પાસે ક્રિસ ગેઈલનો સૌથી ઝડપી સદી (30 બોલ)નો રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ તે તેની ઈનિંગના 29મા બોલ પર આઉટ થયો. પરંતુ તેને એક સિઝનમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડ્યો. વૈભવે IPL 2026માં અત્યાર સુધી 65 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેઈલે 2012ની સિઝનમાં 59 સિક્સર ફટકારી હતી.

SRH IPL 2026માંથી થયું બહાર

એલિમિનેટર જીતીને રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવ્યું છે. બીજા ક્વોલિફાયરમાં તેઓ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે, જે પહેલા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી.

એલિમિનેટરની જેમ આ મેચ પણ મુલ્લાનપુર મેદાન પર રમાશે. ક્વોલિફાયર 2 ના વિજેતાનો સામનો ફાઈનલમાં આરસીબી સામે થશે. આ દરમિયાન એલિમિનેટર હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2026 માંથી બહાર થઈ ગયું છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?