IPL 2026ની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એકમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે એક ધમાકેદાર ઈનિંગ રમી જેને માત્ર તેની ટીમને જીત અપાવી નહીં પરંતુ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત પણ કરાવ્યું.

લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરતા શ્રેયસે એક એવી ઈનિંગ રમી જેને IPL ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે. તમને જણાવી દઈએ કે આ ઈનિંગે એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ કેપ્ટને હાંસલ કર્યો ન હતો.

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ પાસે જીતવા માટે એક મોટું ટાર્ગેટ હતું. ટીમની શરૂઆત ખરાબ રહી, તેને ફક્ત 22 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન શ્રેયસ ઐયરે જવાબદારી સંભાળી અને આક્રમક બેટિંગ કરતા માત્ર 51 બોલમાં 101 રન બનાવ્યા. તેને આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.

IPLમાં નવો ઈતિહાસ રચાયો

આ સદી સાથે શ્રેયસ ઐયર IPL ઈતિહાસમાં ચોથા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો. તેની પહેલા IPLમાં કેપ્ટનોએ 16 વખત સદી ફટકારી હતી, પરંતુ બધા બેટ્સમેનોએ ટોપ-3 માં બેટિંગ કરતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં શ્રેયસ IPL રન ચેઝમાં સદી ફટકારનાર ચોથો કેપ્ટન પણ બન્યો.

તેની પહેલા આ સિદ્ધિ ફક્ત સંજુ સેમસન, વિરાટ કોહલી અને વીરેન્દ્ર સેહવાગના નામે હતી. પરંતુ તે પંજાબ કિંગ્સ માટે લક્ષ્યનો પીછો કરતી વખતે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો. આ પહેલા PBKS ના કેપ્ટન તરીકે ફક્ત KL રાહુલ અને એડમ ગિલક્રિસ્ટે સદી ફટકારી હતી, પરંતુ બંનેએ પ્રથમ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

પ્લેઓફની આશા મજબૂત થઈ

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ સતત મોટા ટાર્ગેટનો પીછો કરવામાં સફળ રહી છે. તેના આગમન પછી ટીમે 7 વખત 190 થી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો છે, અને નોંધપાત્ર રીતે શ્રેયસે આ બધા પીછોમાં અડધી સદી ફટકારી છે. પરંતુ લખનૌ સામેની આ ઈનિંગ કદાચ સૌથી ખાસ હતી, કારણ કે ટીમ દબાણ હેઠળ હતી અને તેમની પ્લેઓફની આશાઓ દાવ પર લાગી હતી.

મેચ પછી શ્રેયસ ઐયરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે સદી યોગ્ય સમયે આવી. તેને કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. આ તેની પહેલી IPL સદી હતી અને જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે આવી. સતત 6 હાર પછી જીત મેળવવી એ એક અદ્ભુત અનુભૂતિ હતી. જ્યારે તમે મેચ પૂરી કરો છો અને સદી ફટકારો છો, ત્યારે તે કોઈપણ બેટ્સમેન માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. તેને ઉમેર્યું કે તે હવે મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે પંજાબ કિંગ્સની પ્લેઓફ આશાઓ પણ અન્ય પરિણામો પર આધારિત છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?