ઈન્ડિયન પ્રીમિયર લીગની એક જ સિઝનમાં કોઈ ખેલાડીએ એટલા રેકોર્ડ તોડ્યા નથી જેટલા 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2026 સીઝનમાં બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં ધૂમ મચાવી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની ઈનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા અને એક જ ઝટકામાં અનેક ઓલટાઈમ રેકોર્ડ તોડી નાખ્યા. હવે ક્વોલિફાયર 2 માં વૈભવ સૂર્યવંશીના ફોર્મને જોતાં તેની પાસે બીજો મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે.

વૈભવ પાસે IPLમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ખેલાડી બનવાની તક

IPL 2026 ક્વોલિફાયર 2 મેચ 29 મેના રોજ નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી પાસે ક્રિસ ગેઈલનો સૌથી ઓછી IPL ઈનિંગમાં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડવાની શાનદાર તક હશે.

ક્રિસ ગેઈલે 37 ઈનિંગમાં 100 સિક્સર ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં 22 IPL મેચ રમી છે, જેમાં તેને 42.36 ની એવરેજથી 932 રન બનાવ્યા છે અને 89 સિક્સર ફટકારી છે. જો વૈભવ ગુજરાત ટાઈટન્સ સામે ક્વોલિફાયર 2 મેચમાં 11 વધુ સિક્સર ફટકારવામાં સફળ રહે છે, તો તે IPL ઈતિહાસમાં સૌથી ઓછી ઈનિંગમાં સિક્સની સદી ફટકારનાર ખેલાડી બની જશે.

આન્દ્રે રસેલને પણ પાછળ છોડી દેવાની તક

ક્રિસ ગેઈલના રેકોર્ડ સિવાય વૈભવ સૂર્યવંશી પાસે IPLમાં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડવાની તક પણ છે. બેસ્ટ ઓલરાઉન્ડરોમાંના એક ગણાતા આન્દ્રે રસેલ માત્ર 657 બોલમાં છગ્ગાની સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.

વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી 402 બોલનો સામનો કર્યો છે. જો વૈભવ આ મેચમાં 68 રન બનાવી લે છે, તો તે IPLમાં 1000 રન પૂરા કરશે, જે આમ કરનાર સંયુક્ત રીતે બીજા સૌથી ઝડપી ખેલાડી બનશે. શોન માર્શ IPLમાં સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ ધરાવે છે, તેને માત્ર 21 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?