IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મોટો ખેલાડી ટ્રેડ થયો છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમમાંથી વિદાય થઈ છે અને તેઓ હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે. તેના બદલામાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો છે. હાર્દિકની વિદાય બાદ મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ તેમના માટે ખાસ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક માટે તેમના મનમાં એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે ખૂબ આદર છે. 

આકાશ અંબાણીએ હાર્દિકની પ્રશંસા કરી

હાર્દિક પંડ્યાની વિદાય અંગે આકાશ અંબાણીએ કહ્યું કે હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે ઘણી ખાસ ક્ષણો વિતાવી છે. ટીમે તેમને એક યુવા ખેલાડીમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવતા જોયા છે. ત્યારબાદ તેઓ ટીમમાં પાછા ફર્યા અને કેપ્ટન પણ બન્યા. આકાશ અંબાણીએ કહ્યું, “હાર્દિકનું યોગદાન, તેમની ઊર્જા અને મેદાન પર જીતવા માટેનો જુસ્સો મુંબઈ ઇન્ડિયન્સ માટે ખૂબ મૂલ્યવાન રહ્યો છે. એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે મારા મનમાં તેમના માટે ખૂબ આદર છે. તેમના ભવિષ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું.” આકાશ અંબાણીનું આ નિવેદન હાર્દિકની મુંબઈ સાથેની બીજી ઇનિંગના અંત પછી આવ્યું છે. 

https://x.com/mipaltan/status/2120426667999117642?a=SQ7FbaElCAaRgkEuYEI&s=20

18 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સમાં જશે હાર્દિક

IPL દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે. તેમનો પગાર 16.35 કરોડ રૂપિયાથી વધીને 18 કરોડ રૂપિયા થયો છે. બીજી તરફ, અર્શદીપ સિંહ 18 કરોડ રૂપિયાના હાલના પગાર સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાશે. હાર્દિકે 2015માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ટીમની 2015, 2017, 2019 અને 2020ની ખિતાબી જીતનો હિસ્સો રહ્યા હતા. 2022માં તેઓ ગુજરાત ટાઇટન્સમાં ગયા અને પ્રથમ જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. 2023માં ગુજરાત ફાઇનલમાં પહોંચી હતી. 2024માં હાર્દિક ફરી મુંબઈમાં આવ્યા અને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બન્યા. આ સાથે તેમની બીજી ઇનિંગ શરૂ થઈ હતી, જે હવે પૂરી થઈ છે. 

હવે મુંબઈની કેપ્ટનશિપ કોને મળશે?

હાર્દિકની વિદાય બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે સૌથી મોટો સવાલ નવા કેપ્ટનનો છે. હાર્દિકે 2024થી ટીમની આગેવાની સંભાળી હતી. તેમના નેતૃત્વમાં મુંબઈએ 39 મેચ રમી, જેમાં 15માં જીત અને 24માં હાર મળી હતી. 2024માં ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લે રહી હતી, 2025માં પ્લેઓફ સુધી પહોંચી હતી, જ્યારે 2026માં 14માંથી માત્ર ચાર મેચ જીતીને નવમા સ્થાને રહી હતી.

હવે રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે કે સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અથવા જસપ્રીત બુમરાહને જવાબદારી મળશે, તેના પર ચર્ચા શરૂ થઈ શકે છે. જોકે, મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. 

આ પણ વાંચો: Rahmat Shahનો ઐતિહાસિક ધમાકો! ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ