અફઘાનિસ્તાન ક્રિકેટ માટે 11 નવેમ્બરનો દિવસ ખાસ બની ગયો છે.ટીમના કેપ્ટન અને અનુભવી બેટર રહમત શાહે ICC ટેસ્ટ રેન્કિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.તાજેતરમાં જાહેર થયેલી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રહમત શાહે 6 સ્થાનની છલાંગ લગાવીને સીધું 7મું સ્થાન હાંસલ કર્યું છે.આ સાથે તે ICC ટેસ્ટ રેન્કિંગની કોઈપણ શ્રેણીના ટોપ-10માં સ્થાન મેળવનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો છે.ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં રમેલી તેની શાનદાર ઇનિંગ્સે આ સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.રહમતે પ્રથમ ટેસ્ટમાં 173 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી.આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી હતી.આ પ્રદર્શનના આધારે તે કારકિર્દીના સર્વોચ્ચ રેટિંગ સુધી પણ પહોંચ્યો છે.

ટેસ્ટ રેન્કિંગમાં રહમત શાહનો મોટો કૂદકો

ICCની નવી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રહમત શાહે 6 સ્થાનનો સુધારો કર્યો છે.અગાઉ તે 13મા સ્થાને હતો, પરંતુ ઝિમ્બાબ્વે સામેની 173 રનની ઇનિંગ્સ બાદ હવે તે 7મા સ્થાને પહોંચી ગયો છે.આ સફળતા માત્ર રહમત માટે જ નહીં,પરંતુ સમગ્ર અફઘાનિસ્તાન ક્રિકેટ માટે મહત્ત્વપૂર્ણ છે.અત્યાર સુધી અફઘાનિસ્તાનનો કોઈ ખેલાડી ICC ટેસ્ટ રેન્કિંગની કોઈપણ શ્રેણીમાં ટોપ-10 સુધી પહોંચી શક્યો નહોતો.રહમતે આ લાંબા સમયથી રાહ જોવાતી સિદ્ધિ મેળવી છે.

શુભમન ગિલ સહિતના દિગ્ગજોને પાછળ છોડ્યા

રહમત શાહે રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવીને ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ,દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમ અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પાછળ છોડી દીધા છે.આ ત્રણેય બેટરો રેન્કિંગમાં રહમત કરતાં નીચે સરકી ગયા છે.33 વર્ષીય રહમત માટે આ સિદ્ધિ ખાસ છે.કારણ કે તેણે સતત સારા પ્રદર્શન અને મોટી ઇનિંગ્સના આધારે વિશ્વના ટોચના બેટરોમાં સ્થાન મેળવ્યું છે.

https://x.com/ICC/status/2120426835725197658?a=AKqkEmGRGGRatBaG7G8&s=20

અફઘાનિસ્તાન ક્રિકેટનો પણ વધ્યો દબદબો

છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાન ક્રિકેટ સતત પ્રગતિ કરી રહ્યું છે.તાજેતરમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામેના પ્રદર્શન બાદ અફઘાનિસ્તાને ICC વન-ડે ટીમ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.આ ટીમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે.આ ઉપરાંત ટીમે ત્રિકોણીય શ્રેણી પણ જીતી હતી. હવે રહમત શાહની ટેસ્ટ રેન્કિંગમાં મળેલી સફળતાએ અફઘાનિસ્તાનના ક્રિકેટને વધુ ઓળખ અપાવી છે.

રાશિદ ખાનનું પણ રેન્કિંગમાં રાજ

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનું પ્રદર્શન પણ સતત ચર્ચામાં છે. ICCની વન-ડે બોલિંગ રેન્કિંગમાં રાશિદ 760 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજના 660 રેટિંગની સરખામણીએ રાશિદને 100 પોઇન્ટની સરસાઈ છે.T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં પણ રાશિદ ખાન 731 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. આમ, એક તરફ રહમત શાહે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે,તો બીજી તરફ રાશિદ ખાન મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પોતાની બોલિંગનો દબદબો જાળવી રહ્યો છે.અફઘાનિસ્તાન માટે આ બંને ખેલાડીઓની સફળતા મોટી સિદ્ધિ છે. હવે રહમત શાહ આ ફોર્મ જાળવીને ટેસ્ટ રેન્કિંગમાં વધુ આગળ વધે છે કે નહીં તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો - Shreyas Iyerની કેપ્ટનશિપ જોખમમાં? હાર્દિક પંડ્યાની એન્ટ્રીથી પંજાબમાં મોટો ફેરફાર!