IPL 2027ની હરાજી પહેલાં ખેલાડીઓની અદલાબદલીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝીએ પોતાની ટ્રેડિંગ વિન્ડો બંધ કરી દીધી છે. આ સાથે જ અક્ષર પટેલ અને આશુતોષ શર્માના ટ્રેડની અટકળોનો પણ અંત આવ્યો છે. બંને ખેલાડીઓ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી જ રમશે. અક્ષરનું નામ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયું હતું, જ્યારે આશુતોષને અન્ય ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમમાં સામેલ કરવા ઇચ્છતી હોવાના અહેવાલ હતા. જોકે, દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ સ્પષ્ટ કહ્યું હતું કે, "દિલ્હી કેપિટલ્સ તરફથી હવે કોઈ વધુ ટ્રેડ કરવામાં આવશે નહીં."
અક્ષર પટેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન
અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો મહત્ત્વનો ઓલરાઉન્ડર છે. IPL 2026માં તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. જોકે, બેટિંગમાં તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું. તેણે 14 મેચમાં 173 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 19.22 અને સ્ટ્રાઇક રેટ 131.06 રહ્યો હતો. બીજી તરફ, બોલિંગમાં તેણે સારું યોગદાન આપ્યું હતું. અક્ષરે 13 ઇનિંગ્સમાં 11 વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 8.18 રહ્યો હતો. આ કારણે તે ટીમ માટે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ઉપયોગી ખેલાડી છે. CSK સાથે તેનું નામ જોડાતાં ટ્રેડની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ દિલ્હી તેને છોડવા તૈયાર નથી.
આશુતોષની આક્રમક બેટિંગથી ટીમોને રસ
આશુતોષ શર્માએ IPL 2026માં ઓછી મેચ રમવા છતાં પોતાની આક્રમક બેટિંગથી ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 8 મેચમાં 171 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 181.91 રહ્યો હતો. ખાસ કરીને મધ્યક્રમમાં અને અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવવાની તેની ક્ષમતા તેને ઉપયોગી બેટર બનાવે છે. આ પ્રદર્શનને કારણે અન્ય ફ્રેન્ચાઇઝીઓએ પણ તેમાં રસ દાખવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, દિલ્હી કેપિટલ્સે આશુતોષને પોતાની સાથે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. હવે તે આગામી સિઝનમાં પણ ટીમના મધ્યક્રમને મજબૂતી આપતો જોવા મળશે.
દિલ્હીની કેપ્ટનશિપનો નિર્ણય હજુ બાકી
ટ્રેડિંગનો મુદ્દો સ્પષ્ટ થયા બાદ હવે દિલ્હી કેપિટલ્સ સામે સૌથી મોટો સવાલ કેપ્ટનશિપનો છે. IPL 2026માં અક્ષર પટેલે ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ આગામી સિઝનમાં પણ તેને જ જવાબદારી મળશે કે નહીં તે નક્કી નથી. ઋષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સ સાથેના સોદા બાદ ફરી દિલ્હી સાથે જોડાયો છે. કેએલ રાહુલ પણ ટીમમાં નેતૃત્વ માટેનો વિકલ્પ છે. આ બંને ખેલાડીઓની હાજરીને કારણે કેપ્ટનશિપની સ્પર્ધા રસપ્રદ બની છે. દિલ્હી કેપિટલ્સે હજુ સુધી IPL 2027 માટે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી નથી. તમામ 10 ટીમોએ 17 નવેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓની યાદી આપવાની છે. હવે દિલ્હીનું ધ્યાન અંતિમ ટીમ તૈયાર કરવા અને કેપ્ટનશિપ અંગે નિર્ણય લેવા પર રહેશે.
આ પણ વાંચો: Lord's: ખચાખચ ભરેલા લોર્ડ્સના રૂમમાં ખ્વાજા સાથે ગાળાગાળી ! 3 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો