IPL 2027 શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝીએ ટીમના નવા હેડ કોચ તરીકે ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીની નિમણૂક કરી છે.દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને આ જાહેરાત કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, દિલ્હી, હવે દાદાગીરીનો સમય છે. સૌરવ ગાંગુલી, ટાઇગર્સના હેડ કોચ.”આ સાથે ગાંગુલી IPL 2027માં દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફની આગેવાની કરતા જોવા મળશે.
હેમંગ બદાની બાદ ગાંગુલીને જવાબદારી
IPLની છેલ્લી સિઝન સુધી દિલ્હી કેપિટલ્સના હેડ કોચની જવાબદારી પૂર્વ ભારતીય ક્રિકેટર હેમંગ બદાની સંભાળી રહ્યા હતા. હવે ફ્રેન્ચાઇઝીએ આ જવાબદારી સૌરવ ગાંગુલીને સોંપી છે.દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી IPLનું ટાઇટલ જીતી શકી નથી. તેથી ગાંગુલી સામે ટીમને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવાનો મોટો પડકાર રહેશે.ગાંગુલી પહેલાં દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે ગ્રેગરી શિપર્ડ, એરિક સિમોન્સ, ગેરી કર્સ્ટન, પેડી અપ્ટન, રિકી પોન્ટિંગ અને હેમંગ બદાની જેવા કોચ કામ કરી ચૂક્યા છે.
https://x.com/DelhiCapitals/status/2107327488972259831?s=20
દિલ્હી સાથે ગાંગુલીનો જૂનો સંબંધ
સૌરવ ગાંગુલીનો દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે લાંબો અને ખાસ સંબંધ રહ્યો છે. માર્ચ 2019માં તેમને દિલ્હી કેપિટલ્સના IPL ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જોકે ઓક્ટોબર 2019માં BCCIના અધ્યક્ષ બન્યા બાદ તેમણે દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથેની જવાબદારી છોડી દીધી હતી. BCCIમાં કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે કામ કર્યું.આ ભૂમિકામાં તેમણે IPL ઉપરાંત વુમન્સ પ્રીમિયર લીગમાં પણ ટીમના સંચાલન અને ખેલાડીઓની પસંદગી સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળી હતી.
SA20માં પણ ગાંગુલીનો અનુભવ
દિલ્હી કેપિટલ્સની માલિકીની SA20 ફ્રેન્ચાઇઝી પ્રિટોરિયા કેપિટલ્સ સાથે પણ ગાંગુલી જોડાયેલા રહ્યા છે. 2025ની SA20 સિઝનમાં તેમણે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી.તેમની આગેવાનીમાં પ્રિટોરિયા કેપિટલ્સ ફાઇનલ સુધી પહોંચી હતી. હવે IPLમાં દિલ્હી કેપિટલ્સને સફળતા અપાવવાની જવાબદારી પણ ગાંગુલીના ખભા પર રહેશે.
છેલ્લા કેટલાક વર્ષથી દિલ્હીનું પ્રદર્શન નિરાશાજનક
દિલ્હી કેપિટલ્સ માટે IPLની છેલ્લી કેટલીક સિઝન અપેક્ષા પ્રમાણે રહી નથી. ટીમ 2022થી સતત ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી.દિલ્હીએ છેલ્લે 2021માં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે 2020માં ટીમ IPLની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી.હવે સૌરવ ગાંગુલીની નિમણૂક સાથે ટીમ મેનેજમેન્ટને આશા હશે કે આગામી સિઝનમાં ટીમના પ્રદર્શનમાં મોટો સુધારો થશે.
ગાંગુલી સામે મોટો પડકાર
સૌરવ ગાંગુલી પાસે ખેલાડી અને કેપ્ટન તરીકેનો વિશાળ અનુભવ છે. ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનોમાં તેમનું નામ લેવામાં આવે છે. હવે આ અનુભવનો ઉપયોગ તેઓ કોચ તરીકે દિલ્હી કેપિટલ્સને મજબૂત બનાવવા માટે કરશે.IPL 2027માં ગાંગુલીની કોચિંગ હેઠળ દિલ્હી કેપિટલ્સ કેવું પ્રદર્શન કરે છે અને શું ટીમ પ્રથમ વખત IPL ટ્રોફી જીતવામાં સફળ થાય છે, તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - Women’s Ashes 2027 : કેરેબિયન બોર્ડના આર્થિક સંકટ વચ્ચે ટેસ્ટ મેચ માટે ECB આપશે ફંડ?