ભારતીય ક્રિકેટમાં IPL 2027 પહેલાં સૌથી મોટા ખેલાડી ટ્રેડને આખરે BCCIની ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલાબદલી થવાની છે. આ સોદા હેઠળ હાર્દિક પંડ્યા મુંબઈ છોડીને પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પંજાબ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે. બંને ખેલાડીઓએ આ ટ્રેડ માટે સંમતિ આપી દીધી છે. હવે બંને ફ્રેન્ચાઇઝીઓ તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ ટ્રેડમાં અન્ય કોઈ ખેલાડી સામેલ નથી.
BCCIની મંજૂરી બાદ ટ્રેડનો રસ્તો સાફ
આ ટ્રેડની ચર્ચા નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ હતી. ત્યારબાદ બંને ફ્રેન્ચાઇઝીઓએ BCCIના નિયમો અનુસાર એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI)ની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જોકે, બંને ખેલાડીઓના સંમતિપત્રો અને જરૂરી દસ્તાવેજો પર સહી થવામાં વિલંબ થતાં સોદાની પ્રક્રિયા આગળ વધવામાં સમય લાગ્યો હતો. હવે BCCIએ ટ્રેડને મંજૂરી આપી દીધી છે. એટલે બંને ખેલાડીઓની ટીમ બદલવાની પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ દૂર થઈ ગયો છે. બંને ખેલાડીઓ પોતાની નવી ટીમમાં પણ જૂના પગાર પ્રમાણે જ રમશે. હાર્દિકને પંજાબમાં ₹16.35 કરોડ અને અર્શદીપને મુંબઈમાં ₹18 કરોડ મળશે.
પંજાબને મળશે અનુભવી ઓલરાઉન્ડર
હાર્દિક પંડ્યાના આગમનથી પંજાબ કિંગ્સને બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂતી મળશે. હાર્દિક મધ્યક્રમમાં ઝડપી રન બનાવવાની સાથે મધ્યની ઓવરોમાં બોલિંગ પણ કરી શકે છે. તેના અનુભવનો ફાયદો ટીમને આગામી સિઝનમાં મળી શકે છે. પંજાબ પાસે પહેલેથી જ શ્રેયસ ઐયરના રૂપમાં કેપ્ટન છે. તેથી હાર્દિકને ટીમમાં નેતૃત્વની જવાબદારી મળવાની શક્યતા ઓછી છે. જોકે, એક અનુભવી ઓલરાઉન્ડર તરીકે તે ટીમના સંતુલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
મુંબઈને મળશે બુમરાહ સાથે ડાબોડી ફાસ્ટ બોલર
બીજી તરફ, અર્શદીપ સિંહના આવવાથી મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ વધુ મજબૂત બનશે. અર્શદીપ નવી બોલથી સ્વિંગ કરાવવા ઉપરાંત ડેથ ઓવર્સમાં પણ અસરકારક બોલિંગ કરવા માટે જાણીતો છે. તે T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. મુંબઈ પાસે પહેલેથી જ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલરો છે. હવે અર્શદીપના આગમનથી ટીમ પાસે ઝડપી બોલિંગના વધુ વિકલ્પો હશે. પાવરપ્લે અને અંતિમ ઓવરોમાં અર્શદીપની ભૂમિકા મહત્ત્વની બની શકે છે.
પંજાબ માટે મોટો ફેરફાર
અર્શદીપ 2019થી પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો હતો અને IPLમાં ટીમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. 2025ની હરાજીમાં પંજાબે તેને ₹18 કરોડમાં જાળવી રાખ્યો હતો. હવે તેને છોડીને હાર્દિકને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય પંજાબ માટે મોટો ફેરફાર છે. બીજી તરફ, હાર્દિકની મુંબઈ સાથેની ત્રણ વર્ષની બીજી ઇનિંગનો અંત આવશે. બંને ટીમો માટે આ ટ્રેડ IPL 2027 પહેલાં તેમની ટીમની રચનામાં મોટો બદલાવ લાવશે. હવે સત્તાવાર જાહેરાત બાદ બંને ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળશે.
આ પણ વાંચો: IPL 2027: અક્ષર પટેલ અને આશુતોષ શર્માના ટ્રેડ પર પૂર્ણવિરામ, દિલ્હી કેપિટલ્સે ટ્રેડિંગ વિન્ડો બંધ કરી