ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027ના રિટેન્શન પહેલાં જ ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટી હલચલ જોવા મળી છે. 17 નવેમ્બરે તમામ ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરવાની છે. આ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદના અનુભવી ઝડપી બોલર હર્ષલ પટેલ ગુજરાત ટાઇટન્સની ટીમમાં જોડાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો પ્રમાણે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે હર્ષલને ₹4 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.ખાસ વાત એ છે કે હર્ષલને સનરાઇઝર્સ હૈદરાબાદમાં મળતી ₹8 કરોડની રકમ કરતાં અડધી કિંમતે ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું છે. હર્ષલ પોતાની ધીમી ગતિની બોલિંગ અને વિવિધ પ્રકારના બોલ ફેંકવાની કળા માટે જાણીતો છે. તેના આગમનથી ગુજરાતની બોલિંગને વધુ અનુભવ મળી શકે છે.
હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઇટન્સનો ભાગ
હર્ષલ પટેલ IPL 2025થી સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. બે સિઝન સુધી હૈદરાબાદ માટે રમ્યા બાદ હવે તે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હોવાના અહેવાલ છે. આ સોદો રોકડ આધારિત હોવાનું કહેવાય છે.ગુજરાત ટાઇટન્સ પાસે પહેલેથી જ સારા ઝડપી બોલરો છે. હર્ષલના આગમનથી ટીમ પાસે ડેથ ઓવર્સમાં બોલિંગ કરાવવા માટે વધુ એક અનુભવી વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. તેની ધીમી ગતિના બોલ અને યોર્કર જેવી વિવિધતા ટીમ માટે ઉપયોગી બની શકે છે.
https://x.com/IPL/status/2122593035041308717?s=20
અડધી કિંમતે ગુજરાત સાથે જોડાયો
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2025ની હરાજીમાં હર્ષલ પટેલને ₹8 કરોડમાં ખરીદ્યો હતો. તેને સતત બે સિઝન સુધી આ જ રકમ મળતી હતી. જોકે, હવે ગુજરાત ટાઇટન્સે તેને ₹4 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હોવાના અહેવાલ છે.હર્ષલ માટે 2026ની સિઝન ખાસ રહી નહોતી. તેને માત્ર 5 મેચ રમવાની તક મળી હતી અને તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. તેના અગાઉના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ વખતે તેની કિંમતમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
હર્ષલ પટેલની IPL કારકિર્દી
હર્ષલ પટેલે 2012માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી IPLમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમો તરફથી રમી ચૂક્યો છે.હર્ષલે અત્યાર સુધી IPLમાં 124 મેચ રમીને 151 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 8.92 અને બોલિંગ સરેરાશ 24.68 રહી છે.હર્ષલની કારકિર્દીની ખાસ વાત એ છે કે તેણે બે વખત પર્પલ કેપ જીતી છે. 2021માં RCB તરફથી રમતી વખતે તેણે પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે ફરી પર્પલ કેપ પોતાના નામે કરી હતી.હવે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા બાદ હર્ષલની નજર નવી ટીમ માટે સારું પ્રદર્શન કરવા પર રહેશે. જોકે, આ ટ્રેડ અંગે સત્તાવાર જાહેરાતની પુષ્ટિ થયા બાદ જ અંતિમ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો- IPL 2027 નહીં રમે ટ્રેવિસ હેડ? SRHમાંથી થઈ શકે છે બહાર, સામે આવ્યું મોટું કારણ