IPL 2027 પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ આગામી સિઝનમાં IPLરમતો જોવા નહીં મળે તેવી શક્યતા છે.છેલ્લા કેટલાક સમયથી તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરી રહ્યો છે અને અભિષેક શર્મા સાથે તેની જોડી ખૂબ જ લોકપ્રિય બની છે.જોકે,હવે આ જોડી તૂટે તેવી શક્યતા છે.મિડિયા રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રેવિસ હેડ પોતાનો વર્કલોડ ઘટાડવા માટે IPL 2027માંથી દૂર રહેવાનો નિર્ણય લઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે IPLથી દૂર રહેશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરતો ટ્રેવિસ હેડ આગામી સિઝનમાં રમશે કે નહીં તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે હેડ પોતાનો વર્કલોડ ઘટાડવા માગે છે.7 નવેમ્બર IPL 2027ની રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની છેલ્લી તારીખ છે.આ પહેલાં જ ટ્રેવિસ હેડને લઈને આ સમાચાર સામે આવ્યા છે.જો તે આગામી સિઝનમાં રમવાનો ઇનકાર કરે છે તો સનરાઇઝર્સ હૈદરાબાદ તેને રિલીઝ કરી શકે છે.આ ઉપરાંત તે ડિસેમ્બરમાં યોજાનારી હરાજીમાં પણ પોતાનું નામ નોંધાવે તેવી શક્યતા ઓછી છે.

https://x.com/mufaddal_vohra/status/2122590647630832096?a=wX8R9EgkxY_nA9YeV1Q&s=20


14 કરોડ રૂપિયાના ખેલાડીને રિલીઝ કરી શકે છે SRH

ટ્રેવિસ હેડ સનરાઇઝર્સ હૈદરાબાદનો મહત્ત્વનો ખેલાડી છે.ટીમે તેને 14 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની સાથે જાળવી રાખ્યો હતો.હવે જો તે IPL 2027માંથી દૂર રહેવાનો નિર્ણય કરે છે તો SRHને તેની જગ્યાએ અન્ય ઓપનરની શોધ કરવી પડશે.જોકે, હેડને રિલીઝ કરવાથી ટીમના પર્સમાં 14 કરોડ રૂપિયા ઉપલબ્ધ થઈ શકે છે.આ રકમનો ઉપયોગ સનરાઇઝર્સ હૈદરાબાદ હરાજીમાં કોઈ નવા વિસ્ફોટક બેટ્સમેન અથવા અનુભવી ખેલાડીને ખરીદવા માટે કરી શકે છે.હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ અગાઉ ઘણી મેચોમાં વિરોધી બોલરોને મુશ્કેલીમાં મૂક્યા છે. તેથી હેડની ગેરહાજરી ટીમના બેટિંગ કોમ્બિનેશનને અસર કરી શકે છે.

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ

ટ્રેવિસ હેડ IPLથી દૂર રહેવાનું વિચારી રહ્યો હોવાની પાછળ ઓસ્ટ્રેલિયાનો વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમ મહત્ત્વનું કારણ બની શકે છે.આગામી વર્ષે IPL પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે.જ્યાં બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે.ત્યારબાદ જૂન મહિનામાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાવાની છે.આ ઉપરાંત જૂનથી ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ રમવાની છે.વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન વનડે વર્લ્ડ કપ 2027નું પણ આયોજન થવાનું છે.આટલા વ્યસ્ત કાર્યક્રમને કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે આરામ અને ફિટનેસ જાળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે.ટ્રેવિસ હેડ પણ આગામી આંતરરાષ્ટ્રીય મેચો માટે પોતાની જાતને ફિટ રાખવા ઇચ્છતો હોઈ શકે છે.

અભિષેક શર્મા સાથેની ઓપનિંગ જોડી તૂટશે?

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની જોડી સનરાઇઝર્સ હૈદરાબાદની સૌથી મોટી તાકાત રહી છે.બંને બેટ્સમેનો પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરીને ટીમને ઝડપી શરૂઆત અપાવે છે.જો હેડ IPL 2027માંથી બહાર થાય છે તો SRHએ નવા ઓપનિંગ બેટ્સમેનની શોધ કરવી પડશે.હવે જોવાનું એ રહેશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ હરાજીમાં કયા ખેલાડી પર દાવ લગાવે છે અને અભિષેક શર્મા સાથે કોને ઓપનિંગ માટે ઉતારે છે.

આ પણ  વાંચો- IND vs PAK : હાથમાં ઈજા છતાં પાકિસ્તાનને ન છોડ્યું! સહેવાગના દીકરાએ ખોલ્યું જીતનું રહસ્ય