બાંગ્લાદેશના ક્રિકેટરો ફરી એકવાર IPLમાં રમતા જોવા મળી શકે છે. IPL 2027ની મિની ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)નો પણ સંપર્ક કર્યો છે. આ સાથે બાંગ્લાદેશના સાત ખેલાડીઓએ હરાજીમાં નામ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. આ યાદીમાં સૌથી ચર્ચિત નામ ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનનું છે. અગાઉ IPL 2026 પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) તેને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. આ નિર્ણયથી બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ ઊભો થયો હતો.
મુસ્તાફિઝુર સહિત આ સાત ખેલાડીઓની દાવેદારી
BCBના ક્રિકેટ ઓપરેશન્સ ચેરમેન શાહરિયાર નફીસે આપેલી માહિતી મુજબ, મુસ્તાફિઝુર રહેમાન ઉપરાંત નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હૃદોય, તસ્કીન અહમદ અને શોરિફુલ ઇસ્લામે પણ IPL 2027ની મિની ઓક્શનમાં ભાગ લેવા માટે નામ નોંધાવ્યાં છે. આ યાદીમાં ઝડપી બોલરોની સંખ્યા વધુ છે. મુસ્તાફિઝુર ડાબોડી ઝડપી બોલર છે, જ્યારે નાહિદ રાણા અને તસ્કીન અહમદ પણ પોતાની ગતિ માટે જાણીતા છે. રિશાદ હુસૈન સ્પિન બોલિંગમાં ઉપયોગી બની શકે છે, જ્યારે તૌહીદ હૃદોય મધ્યક્રમના બેટર તરીકે ટીમોનું ધ્યાન ખેંચી શકે છે.
₹9.20 કરોડમાં ખરીદાયો, છતાં KKRએ કર્યો હતો રિલીઝ
મુસ્તાફિઝુર રહેમાનને ડિસેમ્બર 2025માં થયેલી IPL 2026ની હરાજીમાં KKRએ ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. જોકે, જાન્યુઆરી 2026માં BCCIએ તાજેતરની ઘટનાઓનો હવાલો આપીને KKRને મુસ્તાફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ બોર્ડના આદેશનું પાલન કર્યું હતું. આ નિર્ણયને કારણે BCCI અને BCB વચ્ચે વિવાદ વધ્યો હતો.
વિવાદની અસર T20 વર્લ્ડ કપ સુધી પહોંચી
મુસ્તાફિઝુરને IPLમાંથી રિલીઝ કરવાના નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 2026ના T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. BCBએ ભારતને બદલે શ્રીલંકામાં પોતાની મેચો યોજવાની માગ કરી હતી. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ માગ સ્વીકારી નહોતી. ત્યારબાદ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ઓક્શનમાં નામ નોંધાવ્યું એટલે ટીમમાં સ્થાન નક્કી નહીં
IPL 2027ની મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. ખેલાડીઓ માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, ઓક્શન માટે નોંધણી કરાવવી અને અંતિમ હરાજીની યાદીમાં સ્થાન મળવું એ બે અલગ બાબતો છે. સાતેય બાંગ્લાદેશી ખેલાડીઓની અંતિમ હરાજી યાદીમાં પસંદગી થાય છે કે નહીં અને IPLની કોઈ ફ્રેન્ચાઇઝી તેમના પર બોલી લગાવે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને મુસ્તાફિઝુર માટે આ હરાજી IPLમાં ફરી વાપસી કરવાની તક બની શકે છે.
આ પણ વાંચો: Bevon Jacobs: છગ્ગા-ચોગ્ગાથી ફટકાર્યા 154 રન, વર્લ્ડ રેકોર્ડ તૂટતાં-તૂટતાં બચ્યો