ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન બેવોન જેકબ્સે એવી વિસ્ફોટક ઇનિંગ રમી છે કે ક્રિકેટ જગતનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. ફોર્ડ ટ્રોફી 2026-27માં ઓકલેન્ડ તરફથી રમતાં તેણે ઓટાગો સામે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. આ સાથે તે ન્યૂઝીલેન્ડના લિસ્ટ-A ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જોકે, તે વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર રહી ગયો હતો.
137 બોલમાં 202 રન, છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા
ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટર ઓવલમાં રમાયેલી મેચમાં જેકબ્સ ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. શરૂઆતમાં ઓકલેન્ડની વિકેટો ઝડપથી પડી રહી હતી. જેકબ્સે શરૂઆતમાં સાવચેતીથી બેટિંગ કરી અને પછી બોલરો પર હુમલો શરૂ કર્યો. તેણે પોતાની પહેલી લિસ્ટ-A સદી 97 બોલમાં પૂરી કરી હતી. ત્યારબાદ તેની બેટિંગ વધુ આક્રમક બની હતી. ખાસ કરીને છેલ્લી ઓવરમાં તેણે પાંચ છગ્ગા ફટકારીને અણનમ 202 રન સુધી પહોંચ્યો હતો. તેની આ ઇનિંગના આધારે ઓકલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 334 રન બનાવ્યા હતા.
વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર
લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટના નામે છે. તેમણે 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં ક્વીન્સલેન્ડ સામે 257 રનની ઇનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા. જેકબ્સે 21 છગ્ગા ફટકારીને આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડના કોઈ પણ બેટ્સમેને લિસ્ટ-Aની એક ઇનિંગમાં આટલા છગ્ગા ફટકાર્યા નથી. આ રીતે તેણે પોતાના દેશનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
ન્યૂઝીલેન્ડ માટે લિસ્ટ-Aમાં બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી
જેકબ્સ ન્યૂઝીલેન્ડ તરફથી લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. તેના પહેલાં જેમી હોવે 2012માં, માર્ટિન ગપ્ટિલે 2015માં અને ચેડ બોઝે 2024માં આ સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે જેકબ્સની આ માત્ર 33મી લિસ્ટ-A મેચ હતી. આ પહેલાં તેણે આ ફોર્મેટમાં સદી પણ ફટકારી નહોતી. એટલે કે પોતાની પહેલી જ લિસ્ટ-A સદીને તેણે સીધી બેવડી સદીમાં ફેરવી દીધી.
IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે
ભારતીય ક્રિકેટ ચાહકો માટે જેકબ્સનું નામ અજાણ્યું નથી. મુંબઈ ઇન્ડિયન્સે તેને IPL 2025ની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી અને ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. જેકબ્સે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારત સામે તાજેતરમાં પૂરી થયેલી પાંચ મેચની T20 સિરીઝમાં પણ તેણે 135થી વધુ રન બનાવ્યા હતા. જોકે, હજુ સુધી તેને ન્યૂઝીલેન્ડની ODI અને ટેસ્ટ ટીમમાં પદાર્પણ કરવાની તક મળી નથી. આ બેવડી સદી બાદ હવે તેની ODI ટીમમાં પસંદગી અંગે ચર્ચા વધી શકે છે.
આ પણ વાંચો: Sandpapergateમાં કમિન્સ મુશ્કેલીમાં! પત્ની સાથે સિડનીના રોડ પર ગરમાગરમ ચર્ચાનો વીડિયો વાયરલ!