IPL 2027 પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ખેલાડીઓની અદલાબદલીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ડાબોડી ફાસ્ટ બોલર ટી નટરાજન ફરી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાશે. તેના બદલામાં દિલ્હી કેપિટલ્સે યુવા લેગ સ્પિનર ઝીશાન અન્સારીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 14 ઓક્ટોબર 2026ના રોજ આ ટ્રેડની જાહેરાત કરવામાં આવી હતી.
₹10.75 કરોડથી હવે ₹5 કરોડની ફી
દિલ્હી કેપિટલ્સે IPL 2025ની હરાજીમાં નટરાજનને ₹10.75 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, હવે તે ₹5 કરોડની સુધારેલી ફી સાથે હૈદરાબાદની ટીમમાં પરત ફરશે. એટલે કે તેની કોન્ટ્રાક્ટ ફીમાં ₹5.75 કરોડનો ઘટાડો થયો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી નટરાજને છેલ્લા 2 સીઝનમાં કુલ 12 મેચ રમી હતી અને 5 વિકેટ લીધી હતી. હવે ફ્રેન્ચાઇઝીએ તેને ટ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદ માટે નટરાજનનો અગાઉનો અનુભવ ઉપયોગી સાબિત થઈ શકે છે.
હૈદરાબાદ માટે નટરાજનનો રેકોર્ડ શાનદાર
નટરાજન 2020થી 2024 સુધી સતત 5 સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ટીમના બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને IPL 2024ની સીઝન તેના માટે યાદગાર રહી હતી. તેણે 19 વિકેટ ઝડપી હતી અને તે સીઝનમાં હૈદરાબાદ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. તેના પ્રદર્શનથી ટીમને ફાઇનલ સુધી પહોંચવામાં મદદ મળી હતી. નટરાજન પોતાની ચોક્કસ યોર્કર અને ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. હૈદરાબાદની ટીમને આશા રહેશે કે તે ફરી જૂના ફોર્મમાં પાછો ફરે અને આગામી સીઝનમાં બોલિંગને મજબૂતી આપે.
દિલ્હીને મળ્યો યુવા લેગ સ્પિનર
બીજી તરફ, ઝીશાન અન્સારી હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. તે પોતાની હાલની ₹40 લાખની ફી પર ટીમ સાથે જોડાશે. અન્સારી આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. IPL 2025માં તેણે 10 મેચ રમીને 6 વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ માટે તેનો સમાવેશ સ્પિન બોલિંગના વિકલ્પો વધારવાની તક છે. યુવા લેગ સ્પિનર તરીકે તે ટીમને મધ્ય ઓવરોમાં ઉપયોગી વિકલ્પ આપી શકે છે. જોકે, આગામી સીઝનમાં તેને કેટલી તક મળે છે તે જોવાનું રહેશે.
બંને ટીમોની નજર હવે IPL 2027 પર
આ ટ્રેડથી હૈદરાબાદને અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મળ્યો છે, જ્યારે દિલ્હીએ યુવા સ્પિનરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બંને ટીમોએ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ક્વોડમાં ફેરફાર કર્યો છે. IPL 2027ની હરાજી ડિસેમ્બર 2026માં ગોવામાં યોજાવાની છે. તે પહેલાં ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમને વધુ મજબૂત બનાવવા માટે ખેલાડીઓની અદલાબદલી અને અન્ય ફેરફારો કરી રહી છે. હવે નટરાજન હૈદરાબાદમાં કેવું પ્રદર્શન કરે છે અને અન્સારી દિલ્હીમાં પોતાની છાપ છોડી શકે છે કે નહીં, તેના પર ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો: Ranji Trophy: બંગાળે દિલ્હીને 9 વિકેટે હરાવ્યું, ગુજરાતની પણ 10 વિકેટે જીત