ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.IPL 2026માં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. રાજસ્થાને લીગ તબક્કામાં ચોથું સ્થાન મેળવ્યું હતું, પરંતુ ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.આ સાથે જ ટીમનું બીજી વખત ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું હતું. હવે ફ્રેન્ચાઇઝીની નજર IPL 2027 પર છે. ખેલાડીઓની રિટેન્શન ડેડલાઇન પહેલાં ટીમ કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી શકે છે

બોલિંગ વિભાગમાં ફેરફારની શક્યતા

IPL 2026માં રાજસ્થાન રોયલ્સની બેટિંગ શાનદાર રહી હતી. ટીમનો બેટિંગ રન રેટ 10.42 રહ્યો હતો, જે તમામ ટીમોમાં ચોથા ક્રમે હતો. જોકે, બોલિંગ વિભાગમાં ટીમ પાછળ રહી ગઈ હતી. રાજસ્થાનના બોલરોએ પ્રતિ ઓવર 9.92 રન આપ્યા હતા.જોફ્રા આર્ચરે 25 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે બ્રિજેશ શર્મા અને નાંદ્રે બર્ગરે 14-14 વિકેટ ઝડપી હતી. જોકે, કેટલાક બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે પર લટકતી તલવાર

રાજસ્થાનના અનુભવી ઝડપી બોલર સંદીપ શર્મા માટે છેલ્લી સિઝન સારી રહી નહોતી. તેણે 6 મેચમાં માત્ર 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઇકોનોમી 11.39 રહી હતી.બીજી તરફ તુષાર દેશપાંડેને ફ્રેન્ચાઇઝીએ 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે 7 મેચમાં માત્ર 4 વિકેટ જ મેળવી શક્યો હતો. તેની ઇકોનોમી પણ 11.96 રહી હતી.આ બંને બોલરોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ તેમના ભવિષ્ય અંગે વિચાર કરી શકે છે. ટીમ આગામી સિઝન માટે બોલિંગ વિભાગને મજબૂત બનાવવા નવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.

ડોનોવન ફરેરાએ જીત્યો વિશ્વાસ, હેટમાયરનું પ્રદર્શન નિરાશાજનક

ડોનોવન ફરેરાએ 179.10ના સ્ટ્રાઇક રેટથી 317 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શને ટીમમાં તેનું મહત્ત્વ વધાર્યું છે.જોકે, શિમરોન હેટમાયર માટે IPL 2026 નિરાશાજનક રહી હતી. તેણે 7 ઇનિંગ્સમાં માત્ર 78 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ પણ 113.04 રહ્યો હતો.આ આંકડાઓને જોતા રાજસ્થાન રોયલ્સ હેટમાયરની જગ્યાએ અન્ય કોઈ વિદેશી ખેલાડીને તક આપવાનું વિચારી શકે છે. બીજી તરફ ફરેરાને જાળવી રાખવા માટે ફ્રેન્ચાઇઝી વધુ ઉત્સુક હોઈ શકે છે.

IPL 2027 પહેલાં રાજસ્થાન સામે મોટો પડકાર

રાજસ્થાન રોયલ્સ માટે આગામી સિઝન પહેલાં સૌથી મોટો પડકાર યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવાનો રહેશે. બેટિંગમાં મજબૂતી હોવા છતાં બોલિંગમાં સુધારો કરવો ટીમ માટે જરૂરી બની શકે છે.સંદીપ શર્મા, તુષાર દેશપાંડે અને શિમરોન હેટમાયર જેવા ખેલાડીઓના ભવિષ્ય અંગે ચર્ચા થઈ શકે છે. જોકે, ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર રિટેન્શન યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ તમામ બાબતો માત્ર સંભાવનાઓ છે.

આ પણ વાંચો - Mahli Beardman Debutમાં ધમાકો, માત્ર 28 બોલમાં 5 વિકેટ લઈને મચાવ્યો કહેર!