IPL 2027ની સિઝન પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ટીમના કેપ્ટન પેટ કમિન્સની ઉપલબ્ધતા અને નબળી બોલિંગ ફ્રેન્ચાઇઝી માટે ચિંતાનો વિષય બની છે. આગામી સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની તારીખ 17 નવેમ્બર નજીક આવી રહી છે ત્યારે SRHએ ટ્રેડ દ્વારા પોતાની બોલિંગ મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું હૈદરાબાદ 18 કરોડ રૂપિયાના પેટ કમિન્સને ટીમમાં જાળવી રાખશે કે પછી તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેશે?

બોલિંગ મજબૂત કરવા હૈદરાબાદે કર્યા મોટા ફેરફાર

IPL 2016ની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે ગત સિઝનમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જોકે, એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ગત સિઝનમાં હૈદરાબાદની બેટિંગ શાનદાર રહી હતી, પરંતુ બોલિંગમાં ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આંકડાઓ પ્રમાણે SRHનો બેટિંગ રન રેટ 10.54 હતો, જે લીગમાં બીજો સૌથી સારો હતો.પાવરપ્લેમાં પણ ટીમે 11.08ના રન રેટથી રન બનાવ્યા હતા.બીજી તરફ બોલિંગમાં ટીમની ઇકોનોમી 10.05 રહી હતી, જે લીગમાં ત્રીજી સૌથી ખરાબ હતી. આથી ફ્રેન્ચાઇઝીએ બેટિંગ કરતાં બોલિંગ વિભાગમાં સુધારો કરવા પર વધુ ધ્યાન આપ્યું છે.SRHએ દિલ્હી કેપિટલ્સ પાસેથી ટી નટરાજનને 5 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા છે.જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી ખલીલ અહેમદને 4.8 કરોડ અને નાથન એલિસને 2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા છે.બીજી તરફ ઝીશાન અંસારી દિલ્હી કેપિટલ્સમાં ગયા છે, જ્યારે લિયામ લિવિંગસ્ટન અને જેક એડવર્ડ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયા છે.

બેટિંગમાં આ ખેલાડીઓ પર રહેશે મોટો દાવ

હૈદરાબાદની બેટિંગ તેની સૌથી મોટી તાકાત રહી છે. હેનરિક ક્લાસેને 23 કરોડ રૂપિયાના રોકાણને યોગ્ય સાબિત કરતાં 160ના સ્ટ્રાઇક રેટથી 624 રન બનાવ્યા હતા.ઈશાન કિશને પણ 182.42ના સ્ટ્રાઇક રેટથી 602 રન ફટકાર્યા હતા. ફ્રેન્ચાઇઝી તેને ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોઈ રહી છે. તેથી રિટેન્શન યાદીમાં ઈશાનનું નામ મહત્વનું રહેશે.આ ઉપરાંત અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની આક્રમક ઓપનિંગ જોડીને જાળવી રાખવા SRH પ્રયાસ કરી શકે છે. બંનેએ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ પણ 171.59ના સ્ટ્રાઇક રેટથી 302 રન બનાવ્યા હતા. તેમની બેટિંગ ઉપરાંત બોલિંગ કરવાની ક્ષમતા પણ ટીમ માટે ઉપયોગી છે.

યુવા બોલરો પર પણ રહેશે વિશ્વાસ

હૈદરાબાદ માટે ઈશાન મલિંગા ગત સિઝનની મોટી શોધ સાબિત થયા હતા. તેમણે 9.33ની ઇકોનોમીથી 20 વિકેટ ઝડપી હતી.સાકિબ હુસૈને 11 મેચમાં 15 વિકેટ અને પ્રફુલ્લ હિંગેએ 7 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. જોકે, હિંગેની ઇકોનોમી 11.73 રહી હતી.આ ઉપરાંત શિવાંગ કુમારે 9 અને હર્ષ દુબેએ 8 વિકેટ ઝડપી હતી. આ યુવા ખેલાડીઓએ ટીમના બોલિંગ વિભાગમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેથી SRH તેમને આગામી સિઝન માટે પણ જાળવી રાખવા માગી શકે છે.

પેટ કમિન્સને લઈને સૌથી મોટો સવાલ

હવે સૌથી વધુ ચર્ચા કેપ્ટન પેટ કમિન્સને લઈને થઈ રહી છે. SRHએ કમિન્સને 18 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા હતા. જોકે, IPL 2026ની શરૂઆતની કેટલીક મેચમાં તેઓ ઈજાના કારણે રમી શક્યા નહોતા.ત્યારબાદ તેમણે 8 મેચમાં ભાગ લીધો હતો.આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે કમિન્સે IPL 2027ની સિઝનમાંથી બહાર રહેવાની વાત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી માટે તેમને રિટેન કરવાનો નિર્ણય મુશ્કેલ બની શકે છે.જો કમિન્સ આખી સિઝન માટે ઉપલબ્ધ નહીં હોય તો હૈદરાબાદ તેમના સ્થાને અન્ય વિદેશી ખેલાડી પર દાવ લગાવી શકે છે. જોકે, અંતિમ નિર્ણય તેમની ઉપલબ્ધતા અને ટીમની જરૂરિયાતો પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો - Shreyas Iyerને મળી ટીમ ઈન્ડિયાની કમાન! ચોથી-પાંચમી વનડેમાં રોહિત-વિરાટ રમશે?