ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારથી આ લીગ વિશ્વની સૌથી લોકપ્રિય અને મોટી ક્રિકેટ લીગમાં સ્થાન મેળવી ચૂકી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ લીગને વધુ વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLમાં હાલની 10 ટીમોની સંખ્યા વધારીને 12 કરવાની યોજના પર વિચાર થઈ રહ્યો છે. જો આવું થાય તો IPL 2028માં બે નવી ફ્રેન્ચાઇઝી જોવા મળી શકે છે.

IPLમાં જોડાઈ શકે છે બે નવી ટીમ

મનીકન્ટ્રોલના અહેવાલ પ્રમાણે BCCI IPLમાં વધુ બે ટીમો ઉમેરવા માગે છે. આ માટે પુણે અને વડોદરા શહેરનાં નામ ચર્ચામાં હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે BCCI તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.હાલ IPLમાં 10 ફ્રેન્ચાઇઝી રમે છે. વર્ષ 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સના આગમન સાથે ટીમોની સંખ્યા 8થી વધારીને 10 કરવામાં આવી હતી. હવે ફરી એકવાર લીગનો વિસ્તાર કરવાની ચર્ચા શરૂ થઈ છે.બે નવી ટીમો ઉમેરાય તો લીગમાં વધુ ખેલાડીઓને તક મળી શકે છે. સાથે જ મેચોની સંખ્યા અને વ્યાપારી આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.

https://x.com/mufaddal_vohra/status/2120025131162755199?a=wgkt06lCqmkPv1RZFZQ&s=20

વિદેશી ખેલાડીઓના નિયમમાં થઈ શકે છે ફેરફાર

જો IPLમાં 12 ટીમો થાય તો ખેલાડીઓની પસંદગી અને ટીમના સંતુલનને લઈને પણ નવા ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. હાલ દરેક ટીમની પ્લેઇંગ ઇલેવનમાં વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓને સ્થાન આપી શકાય છે.12 ટીમો થયા બાદ વિદેશી ખેલાડીઓની સંખ્યા વધારવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જોકે, પ્લેઇંગ ઇલેવનમાં વિદેશી ખેલાડીઓની મર્યાદા 4થી વધારીને 5 કરવામાં આવશે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.IPL 2028માં મેગા ઓક્શન યોજાવાની શક્યતા પણ છે. અગાઉ 2022માં બે નવી ટીમો મેગા ઓક્શન પહેલાં લીગમાં જોડાઈ હતી. આથી આગામી મેગા ઓક્શન નવી ફ્રેન્ચાઇઝી ઉમેરવા માટે યોગ્ય સમય બની શકે છે.

IPL 2027 માટે તૈયારીઓ શરૂ

એક તરફ IPL 2028માં ટીમોની સંખ્યા વધારવાની ચર્ચા છે, તો બીજી તરફ BCCI હાલમાં IPL 2027ની તૈયારીઓમાં વ્યસ્ત છે. અહેવાલ પ્રમાણે તમામ ફ્રેન્ચાઇઝીએ 17 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપવાની છે.ત્યારબાદ મિની ઓક્શનની પ્રક્રિયા શરૂ થશે. IPL 2027નું મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઓક્શન પહેલાં અનેક ફ્રેન્ચાઇઝી ટ્રેડ દ્વારા પોતાની ટીમ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.અહેવાલો અનુસાર, IPL 2027ની શરૂઆત માર્ચના અંતિમ સપ્તાહમાં થઈ શકે છે અને મેના અંત સુધીમાં ટુર્નામેન્ટ પૂર્ણ કરવાનું આયોજન હોઈ શકે છે.

આ પણ વાંચો -Kavya Maran Net Worth : કરોડોની સંપત્તિ, મોટું બિઝનેસ સામ્રાજ્ય! જાણો કાવ્યા મારનની નેટવર્થ