IPLમાં કથિત ગેરકાયદે સટ્ટાબાજીના મોટા નેટવર્ક સામે EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ ગુવાહાટીના ઝૂ રોડ વિસ્તારમાં રહેતા દીપેશ બજોરિયાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે તે આસામ અને ઉત્તર-પૂર્વના અન્ય વિસ્તારોમાં ચાલતા ક્રિકેટ સટ્ટાબાજીના નેટવર્કમાં મુખ્ય બુકી તરીકે કામ કરતો હતો. તેની 19 સપ્ટેમ્બરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ગૌહાટીની CBI કોર્ટ નંબર 3માં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બજોરિયાને 6 દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલ્યો છે.
IPLમાં સટ્ટો લગાવવાનો આરોપ
EDની તપાસ મુજબ બજોરિયા કથિત સટ્ટાબાજી સિન્ડિકેટમાં મુખ્ય બુકી તરીકે કામ કરતો હતો. એજન્સીનો આરોપ છે કે સટ્ટાના વ્યવહારો માટે સ્કાયએક્સચેન્જ અને વિનર7 જેવી ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સટ્ટો લગાવનારા લોકો સાથે વાતચીત અને પૈસાની લેવડદેવડ માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ચેનલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાનો EDએ દાવો કર્યો છે. તપાસમાં સટ્ટામાંથી મળતા પૈસાને અલગ-અલગ વ્યક્તિઓ અને સંસ્થાઓ મારફતે ફેરવવામાં આવતા હોવાની પણ માહિતી મળી છે.
ફર્મનું ખાતું બન્યું પૈસા ફેરવવાનું માધ્યમ
EDની તપાસમાં દીપેશ બજોરિયા સાથે જોડાયેલી પાર્ટનરશિપ ફર્મ M/s DRM Cokeનું બેંક ખાતું પણ સામે આવ્યું છે. બજોરિયા આ ફર્મમાં ભાગીદાર હોવાનું એજન્સીએ જણાવ્યું છે. EDના જણાવ્યા મુજબ, ફર્મને બિન-સક્રિય બતાવવામાં આવી હોવા છતાં તેના ખાતામાં 19 એપ્રિલ 2022થી 15 મે 2026 વચ્ચે આશરે રૂ.28.12 કરોડ જમા થયા હતા. આ જ સમયગાળામાં આશરે રૂ.28.03 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. એજન્સીનો આરોપ છે કે આ ખાતાનો મુખ્ય ઉપયોગ સટ્ટાબાજીમાંથી મળેલા પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કરવામાં આવ્યો હતો.
2023થી ચાલી રહી છે તપાસ
આ તપાસની શરૂઆત 30 માર્ચ 2023ના રોજ નોંધાયેલા EDના કેસથી થઈ હતી. આ કેસ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચની FIR અને તિનસુકિયા તથા પાનબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સંબંધિત કેસોના આધારે શરૂ થયો હતો. આ કેસોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 406 અને 420 ઉપરાંત આસામ ગેમ એન્ડ બેટિંગ એક્ટ, 1970ની જોગવાઈઓ હેઠળ ગેરકાયદે સટ્ટાબાજીના આરોપોની તપાસ થઈ રહી છે. EDનું કહેવું છે કે હવે આ સમગ્ર નેટવર્કમાં પૈસાની હિલચાલ અને અન્ય લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો: Asian Games 2026 : મેડલ ટેલીમાં ભારતે લગાવી છલાંગ, ટોપ 10માં મળ્યું સ્થાન