IPLની આ સીઝન થોડા દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. આવતા વર્ષની IPL હજુ ઘણી દૂર છે, પરંતુ BCCIએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે, પરંતુ કામચલાઉ તારીખો જાહેર કરવામાં આવી છે.
એવી અપેક્ષા છે કે આગામી IPL થોડી વહેલી શરૂ થશે, જે મે મહિનાના મધ્યમાં સમાપ્ત થશે. વધુમાં BCCI હાલમાં મેચોની સંખ્યા વધારવાનો વિચાર કરી રહ્યું નથી.
IPL 2027 સીઝન 10 માર્ચથી થઈ શકે છે શરૂ
આવતા વર્ષની IPL 10 માર્ચે શરૂ થઈ શકે છે. તેની છેલ્લી મેચ એટલે કે ફાઈનલ 15 મેના રોજ યોજાઈ શકે છે. વાસ્તવમાં મે મહિનાના અંતમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડે છે, જેના કારણે ખેલાડીઓને દિવસની રમતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને ટાળવા માટે BCCI તેને થોડી વહેલી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ મીડિયા સાથેના એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે. આ સાથે દેવજીત સૈકિયાએ એમ પણ કહ્યું કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે, તેથી મેચોની સંખ્યા વધારવાનો વિચાર હાલમાં કરવામાં આવી રહ્યો નથી. આનો અર્થ એ થયો કે આવતા વર્ષની IPLમાં પણ કુલ 74 મેચ રમાશે. તે પછી જ 94 મેચ રમાય તેવી શક્યતા છે.
આવતા વર્ષે IPL 20 વર્ષ પૂર્ણ કરશે
આ વર્ષની IPL 29 માર્ચે શરૂ થઈ હતી અને તેની અંતિમ મેચ 31 મેના રોજ રમાઈ હતી. દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે પ્રી-મોન્સૂન સીઝન 15 મે પછી શરૂ થાય છે, તેથી આને ટાળવા માટે ટુર્નામેન્ટ વહેલા પૂર્ણ કરવામાં આવશે. તેમને વધુમાં કહ્યું હતું કે BCCI આ બાબતે IPL ગવર્નિંગ કાઉન્સિલ સાથે ચર્ચા કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આવતા વર્ષે IPL મહત્વપૂર્ણ રહેશે, કારણ કે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ 20 વર્ષ પૂર્ણ કરશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રમાશે
ઓસ્ટ્રેલિયા વર્ષની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કરશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ભાગ રૂપે તે દરમિયાન 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે. સિરીઝની અંતિમ ટેસ્ટ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે, એટલે કે અંતિમ મેચ 3 માર્ચે સમાપ્ત થશે. IPL ફક્ત 8 દિવસ પછી શરૂ થશે. ટીમ ઈન્ડિયા હજુ સુધી 3 માર્ચ પછી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમવાનું નક્કી નથી.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા