ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી 3 મેચની T20I સીરિઝ શરૂ થઈ છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20Iમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. આ જીતમાં ભારતીય ટીમના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર 32 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ ઈશાન કિશને 33 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું.આ 42 રનની ઇનિંગ્સ ઈશાન કિશન માટે ખાસ બની ગઈ છે. તેમણે આ સાથે 2026માં ત્રણેય ફોર્મેટમાં મળીને 1000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ સાથે ઈશાને ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટને પણ પાછળ છોડી દીધા છે.

2026માં ઈશાન કિશનનો શાનદાર પ્રદર્શન 

2026નું વર્ષ ઈશાન કિશન માટે અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે.ટેસ્ટ,વનડે અને T20I એમ ત્રણેય ફોર્મેટમાં તેમણે સતત રન બનાવ્યા છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I પહેલાં ઈશાન 1000 રનના આંકડાથી માત્ર 14 રન દૂર હતા.મેચમાં 42 રનની ઇનિંગ્સ રમતા જ તેમણે આ આંકડો પાર કરી લીધો. હવે 2026માં ત્રણેય ફોર્મેટમાં ઈશાન કિશનના નામે કુલ 1028 આંતરરાષ્ટ્રીય રન થઈ ગયા છે.આ સાથે ઈશાન 2026માં ત્રણેય ફોર્મેટમાં 1000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર માત્ર બીજા બેટ્સમેન બન્યા છે. તેમણે જો રૂટને પાછળ છોડી દીધા છે. રૂટના નામે આ વર્ષે અત્યાર સુધી 997 રન છે.

https://x.com/ImTanujSingh/status/2099180428850835812?s=20


હવે હેરી બ્રૂકને પાછળ છોડવાનું લક્ષ્ય

2026માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ઈશાન કિશન હાલમાં બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના હેરી બ્રૂક 1293 રન સાથે આ યાદીમાં ટોચ પર છે.ઈશાનના નામે 1028 રન છે અને તેઓ બ્રૂકથી 265 રન પાછળ છે. ભારતની આગામી મેચોમાં ઈશાન પાસે આ અંતર ઘટાડવાની તક રહેશે. જો તેમનું શાનદાર ફોર્મ ચાલુ રહેશે, તો તેઓ વર્ષના અંત સુધીમાં બ્રૂકને પાછળ છોડવાની સ્થિતિમાં આવી શકે છે.

2026માં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન
  • હેરી બ્રૂક – ઈંગ્લેન્ડ – 1293 રન
  • ઈશાન કિશન – ભારત – 1028 રન
  • જો રૂટ – ઈંગ્લેન્ડ – 997 રન
  • ડેરિલ મિચેલ – ન્યૂઝીલેન્ડ – 914 રન
દુલિપ ટ્રોફીમાં પણ કર્યો હતો કમાલ

ઈશાન કિશન માટે 2026 માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં પણ યાદગાર રહ્યું છે. તાજેતરમાં તેમની કપ્તાનીમાં ઈસ્ટ ઝોને દુલિપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધામાં ઈશાને બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.હવે અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝમાં પણ તેમના પર ભારતીય ટીમ માટે મોટી ઇનિંગ્સ રમવાની જવાબદારી રહેશે. પ્રથમ મેચમાં 42 રન બનાવ્યા બાદ તેમની નજર આગામી મેચોમાં વધુ મોટી ઇનિંગ્સ પર રહેશે.

ભારતે પ્રથમ T20Iમાં મેળવી શાનદાર જીત

અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનને 20 ઓવરમાં 8 વિકેટે 156 રન સુધી રોકી દીધું હતું.157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. અભિષેક શર્માએ 32 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમણે 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીરિઝની આગામી મેચોમાં ઈશાન કિશનનું પ્રદર્શન ખાસ નજરમાં રહેશે. તેમની પાસે હેરી બ્રૂકને પાછળ છોડીને 2026માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બનવાની તક છે.

આ પણ વાંચો - Women's Asia Cup: 'ટ્રોફી ચોર... ટ્રોફી ચોર!' મોહસિન નકવીને જોતાં જ ફેન્સ ભડક્યા, જુઓ VIDEO