ક્રિકેટની દુનિયામાં એવા ઘણા કિસ્સા છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે, પરંતુ ચિલીની ઇવોને વિલ્ડોસોલાની કહાની ખરેખર અનોખી છે. ઇવોનેએ 70 વર્ષની ઉંમરે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરીને ક્રિકેટમાં ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વધુ રસપ્રદ વાત એ છે કે તેમણે આ ઐતિહાસિક મેચ પોતાની પૌત્રી કેમિલા ઓયાર્સની કેપ્ટનશિપમાં રમી હતી. ઇવોને વિલ્ડોસોલાએ 2019માં પહેલી વખત ક્રિકેટનું બેટ હાથમાં લીધું હતું. ત્યારબાદ ધીમે-ધીમે તેમની ક્રિકેટમાં રુચિ વધતી ગઈ અને અંતે તેઓ ચિલીની મહિલા ક્રિકેટ ટીમ સુધી પહોંચી ગયા. એપ્રિલ 2026માં તેમને કોસ્ટા રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.
પરિવાર સાથે શરૂ થઈ ક્રિકેટની સફર
ઇવોનેએ ચિલીની મહિલા ક્રિકેટ ટીમ સુધી પહોંચવાની પોતાની સફર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમની ભૂમિકા પોતાની પૌત્રી સાથે રમવા આવતા મિત્રો માટે ભોજન બનાવવાની હતી.તેમની પૌત્રી કેમિલા ક્રિકેટ રમતી હતી, તેથી ઇવોનેને પણ આ રમત વિશે જાણકારી મળી. શરૂઆતમાં તેઓ માત્ર રમતને સમજવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ સમય જતાં ક્રિકેટ પ્રત્યે તેમનો રસ વધતો ગયો.તેમની પુત્રી લોરેટો અને પૌત્રી કેમિલાએ પણ તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિવાર સાથે શરૂ થયેલી આ સફર ધીમે-ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન સુધી પહોંચી ગઈ.
પૌત્રીની કેપ્ટનશિપમાં દાદીનો ડેબ્યૂ
એપ્રિલ 2026માં કોસ્ટા રિકા સામેની T20 ઈન્ટરનેશનલ મેચ ઇવોને માટે યાદગાર બની ગઈ.70 વર્ષની ઉંમરે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ખાસ વાત એ હતી કે તેમની પૌત્રી કેમિલા ઓયાર્સ ચિલીની ટીમની કેપ્ટન હતી.એટલું જ નહીં, દાદી અને પૌત્રી બંનેએ મેચમાં ચિલી માટે ઇનિંગની શરૂઆત કરી હતી. એટલે કે એક જ મેચમાં પૌત્રી પોતાની દાદીની કેપ્ટન હતી અને બંનેએ સાથે મળીને ઓપનિંગ પણ કર્યું હતું.આ સાથે ઇવોને વિલ્ડોસોલા ક્રિકેટ રમનારી વિશ્વની સૌથી વધુ ઉંમરની સક્રિય ખેલાડી બની હતી. તેમની આ સિદ્ધિ ક્રિકેટના સૌથી અનોખા કિસ્સાઓમાં સામેલ થઈ છે.
ડેબ્યૂ મેચમાં કેવું રહ્યું પ્રદર્શન?
ઇવોનેએ પોતાની પૌત્રી કેમિલા સાથે ચિલી માટે ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, તેમની બેટિંગ લાંબી ચાલી નહોતી.ઇવોને માત્ર 4 બોલનો સામનો કરીને એક પણ રન બનાવી શક્યા નહોતા અને ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. તેમની પૌત્રી કેમિલાએ 23 બોલમાં માત્ર 1 રન બનાવ્યો હતો.આ મેચમાં ચિલીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. જવાબમાં કોસ્ટા રિકાની ટીમે માત્ર 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 82 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે ચિલીની મહિલા ટીમને 8 વિકેટથી હાર મળી હતી.
70 વર્ષની ઉંમરે ક્રિકેટનો અનોખો રેકોર્ડ
ઇવોને વિલ્ડોસોલાની કહાનીનું સૌથી ખાસ પાસું તેમનું ક્રિકેટ રમવાનું સાહસ છે. 70 વર્ષની ઉંમરે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરીને તેમણે રમતની કોઈ ઉંમર હોતી નથી તે વાતને એક અલગ રીતે સાબિત કરી છે.વ્યાવસાયિક ક્રિકેટમાં સૌથી વધુ ઉંમરે રમનાર ખેલાડીઓની યાદીમાં પણ તેમનું નામ ખાસ રીતે નોંધાયું છે. 1950-51માં 72 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા રાજા મહારાજા સિંહ બાદ ઇવોને સૌથી વધુ ઉંમરે વ્યાવસાયિક ક્રિકેટ રમનારા ખેલાડીઓમાં સામેલ થઈ છે.
આ પણ વાંચો - Temba Bavumaએ 3 વર્ષ બાદ ફટકારી સદી, ધોનીના ખાસ રેકોર્ડની કરી બરાબરી