ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આગામી મહત્વપૂર્ણ સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલ ઘૂંટણની ઈજાને કારણે આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં, બેથેલે IPL 2027માં પણ નહીં રમવાનો નિર્ણય લીધો છે. તે હવે પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી 2027માં યોજાનારી એશિઝ સિરીઝ અને વનડે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.જેકબ બેથેલની ઈજા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે પણ ચિંતાનો વિષય બની છે. IPL 2027ના રિટેન્શન પહેલાં RCBએ તેને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. હવે તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

ઘૂંટણની બીજી સર્જરી કરાવશે બેથેલ

જેકબ બેથેલ જુલાઈ મહિનાથી ઘૂંટણની ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. શરૂઆતમાં એવી આશા હતી કે તે લગભગ એક મહિનામાં મેદાન પર પાછો ફરી શકશે. જોકે, તપાસ દરમિયાન તેના ઘૂંટણમાં કાર્ટિલેજની સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે તેને સર્જરી કરાવવી પડી હતી.ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની સિરીઝમાં તેની વાપસી થવાની આશા હતી. પરંતુ ઘૂંટણમાં ફરી દુખાવો અને સોજો આવતાં તેની વાપસીની યોજના મુલતવી રાખવામાં આવી હતી.ધ ટેલિગ્રાફના 17 નવેમ્બરના અહેવાલ પ્રમાણે, બેથેલને હવે બીજી સર્જરી કરાવવી પડશે. આ કારણે તે ક્રિસમસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં.

https://x.com/ICC/status/2122852236950999167?a=kppx_aGvu3oa1Zlu7JY&s=20

દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીમાં ફેરફાર

બેથેલની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની ટીમને પોતાની બેટિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં એમિલિયો ગે અને બેન ડકેટ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જ્યારે જોર્ડન કોક્સ ત્રીજા ક્રમે બેટિંગની જવાબદારી સંભાળી શકે છે.બેથેલની ગેરહાજરી ઇંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે.

RCBએ બેથેલને રિલીઝ કરવાનું કારણ જણાવ્યું

IPL 2027 માટે 17 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી હતી. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલને રિલીઝ કર્યો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર  RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે જણાવ્યું હતું કે બેથેલની ઘૂંટણની ઈજાને કારણે ટીમે તેને રિલીઝ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.તેમના જણાવ્યા પ્રમાણે, બેથેલને રિલીઝ કરવો ટીમ માટે સરળ નિર્ણય નહોતો. જોકે, તેની ઈજા ફરી સામે આવી છે અને તે ક્યારે મેદાનમાં પાછો ફરશે તે અંગે પણ અનિશ્ચિતતા છે. આગામી IPL સિઝનમાં તેની ઉપલબ્ધતા અંગે પણ સવાલો ઊભા થયા હતા.

https://x.com/ImTanujSingh/status/2122679446494904699?s=20

હવે 2027ના વર્લ્ડ કપ અને એશિઝ પર નજર

જેકબ બેથેલ માટે આગામી વર્ષ ખૂબ મહત્વનું છે. ઇંગ્લેન્ડને 2027માં એશિઝ સિરીઝ અને વનડે વર્લ્ડ કપ રમવાનો છે. આ બંને મોટી સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને બેથેલ હવે પોતાની ફિટનેસ અને રિહેબિલિટેશન પર ધ્યાન આપશે.IPL 2027માંથી દૂર રહેવાનો તેનો નિર્ણય લાંબા ગાળાની તૈયારીનો ભાગ છે. હવે સૌની નજર તેની સર્જરી અને વાપસી પર રહેશે.

આ પણ વાંચો- IND vs NZ : જેવી પિચ હશે તેવી ટીમ ઉતારશે ભારત, પ્રથમ ટેસ્ટ પહેલાં કોચે આપ્યું મોટું અપડેટ