ભારતીય ક્રિકેટરો મેદાન પર જેટલા ગંભીર હોય છે, મેદાનની બહાર તેમની મસ્તી પણ એટલી જ ચર્ચામાં રહે છે. આવી જ એક મજેદાર ઘટના 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી બની હતી. સુરેશ રૈનાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે વિરાટ કોહલી અને શિખર ધવન સાથે મળીને રવીન્દ્ર જાડેજા સાથે એવો પ્રેન્ક કર્યો હતો કે જાડેજા પોતાની ટ્રોફીને અસલી સોનાની સમજી બેઠો હતો. ત્રણેયે તેને કહ્યું હતું કે આ ટ્રોફીની કિંમત 20થી 25 લાખ રૂપિયા છે અને એરપોર્ટ પર સિક્યોરિટી ચેક વખતે તેને જાહેર કરવી પડશે. આ વાત સાંભળીને જાડેજા પોતાની ટ્રોફીને લઈને ચિંતામાં પડી ગયો હતો.

રૈનાએ શોમાં સંભળાવ્યો જૂનો કિસ્સો

સુરેશ રૈનાએ આ મજેદાર કિસ્સો જિયો હોટસ્ટારના કાર્યક્રમ 'ધ સુરેશ રૈના એક્સપિરિયન્સ: ચેમ્પિયન્સ ટ્રોફી સ્પેશિયલ'માં સંભળાવ્યો હતો. રૈનાના જણાવ્યા અનુસાર, 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તેણે વિરાટ કોહલી અને શિખર ધવન સાથે મળીને જાડેજા પાસે જઈને કહ્યું હતું કે તેની ટ્રોફી સોનાની બનેલી છે. ત્રણેયે જાડેજાને કહ્યું કે એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન સોનાની વસ્તુ અંગે પૂછપરછ થઈ શકે છે. તેથી તેણે ટ્રોફી બેગની અંદર રાખવી જોઈએ, નહીં તો તેને તેની કિંમત વિશે જાણ કરવી પડશે. રૈનાએ મજાકમાં એવું પણ કહ્યું હતું કે આ ટ્રોફીની કિંમત લગભગ 20થી 25 લાખ રૂપિયા હશે. આ વાતને ત્રણેયે એટલી ગંભીરતાથી રજૂ કરી કે જાડેજા પણ તેમની વાતમાં આવી ગયો હતો. તે પોતાની ટ્રોફીને સુરક્ષિત રાખવા માટે ચિંતિત થઈ ગયો હતો.

2013માં જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું

2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જાડેજા માટે યાદગાર રહી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં તેણે પાંચ મેચમાં કુલ 12 વિકેટ ઝડપી હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો અને તેને ગોલ્ડન બોલનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે રમાયેલી ફાઇનલમાં પણ જાડેજાએ મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. તેણે 33 રનની અણનમ ઇનિંગ રમી હતી અને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને ફાઇનલનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે આ ફાઇનલમાં ઇંગ્લેન્ડને પાંચ રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. વરસાદના કારણે મેચ 20-20 ઓવરની રમાઈ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 129 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 124 રન જ બનાવી શકી હતી.

શિખર ધવનને મળ્યો હતો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ

આ ટુર્નામેન્ટમાં શિખર ધવને પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે પાંચ મેચમાં કુલ 363 રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે જાડેજા સાથે પ્રેન્ક કરનારા ત્રણ ખેલાડીઓમાં ધવન પણ સામેલ હતો.

આમ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારત માટે યાદગાર જીત રહી હતી. હવે વર્ષો પછી રૈનાએ આ જીત સાથે જોડાયેલી એક એવી મજેદાર યાદ તાજી કરી છે, જેમાં જાડેજાની ટ્રોફી અને તેની કિંમતને લઈને સાથી ખેલાડીઓએ તેની સાથે મસ્તી કરી હતી.

આ પણ વાંચો: Sourav Gangulyના એક સવાલથી ભારતીય ટીમમાં ખળભળાટ, કુલદીપ અને માનવ સુથારનો ઉલ્લેખ કેમ કર્યો?