IPLની લોકપ્રિયતા હવે દુનિયાના એવા દેશોના ક્રિકેટરોને પણ આકર્ષી રહી છે, જ્યાં ક્રિકેટ હજુ વિકાસના તબક્કામાં છે. IPL 2027ના મિની ઓક્શન માટે જાહેર થયેલી પ્રારંભિક યાદીમાં જાપાનના બે ક્રિકેટરોએ પણ પોતાનાં નામ નોંધાવ્યાં છે. આ યાદીમાં 27 વર્ષના બેન્જામિન ઇટો-ડેવિસ અને માત્ર 18 વર્ષના ચાર્લી હારા-હિન્ઝે સામેલ છે. ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓએ સપ્ટેમ્બર 2026માં જાપાન તરફથી ભારત સામે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. જોકે, માત્ર નામ નોંધાવવાથી ઓક્શનમાં સ્થાન પાક્કું થતું નથી. હવે IPLની ફ્રેન્ચાઇઝીઓ આ યાદીમાંથી પોતાની પસંદગીના ખેલાડીઓનાં નામ આપશે અને ત્યારબાદ અંતિમ ઓક્શન યાદી તૈયાર થશે.
1,220 ખેલાડીઓએ ઓક્શન માટે નોંધાવ્યાં નામ
IPL 2027ના મિની ઓક્શન માટે કુલ 1,220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિદેશી ખેલાડીઓની યાદીમાં કુલ 17 દેશોના ક્રિકેટરો સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 53 ખેલાડીઓએ નામ નોંધાવ્યાં છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના 40, વેસ્ટ ઇન્ડિઝના 36 અને ન્યૂઝીલેન્ડના 25 ખેલાડીઓનો નંબર આવે છે. આ યાદીમાં જાપાન ઉપરાંત સ્કોટલેન્ડ અને કેનેડાના પણ બે-બે ખેલાડીઓ સામેલ છે. અમેરિકા તરફથી 13, જ્યારે નેપાળ અને યુએઈ તરફથી 10-10 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે સહયોગી દેશોના કુલ 42 ખેલાડીઓએ પણ ઓક્શન માટે નામ આપ્યાં છે.
કોણ છે જાપાનના બે ક્રિકેટર?
જાપાનના બે ખેલાડીઓમાં પહેલું નામ 27 વર્ષના બેન્જામિન ઇટો-ડેવિસનું છે. તે ઓલરાઉન્ડર છે અને જમણા હાથે બેટિંગ કરવાની સાથે જમણા હાથે ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. તેણે જાપાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની ઓળખ બનાવી છે. નવેમ્બર 2026 સુધીમાં તેના નામે 28 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 289 રન અને 33 વિકેટ નોંધાયેલી છે.
બીજો ખેલાડી 18 વર્ષનો ચાર્લી હારા-હિન્ઝે છે. તેનું પૂરું નામ ચાર્લ્સ માત્સુમોટો હિન્ઝે છે. તે ડાબા હાથનો બેટ્સમેન અને ડાબા હાથનો સ્પિન બોલર છે. તેણે જાપાનની વયજૂથની ટીમો તરફથી પણ ક્રિકેટ રમી છે અને 2026ના અંડર-19 વર્લ્ડ કપમાં જાપાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
બંને ખેલાડીઓ ભારત સામે પણ રમી ચૂક્યા છે
આ બંને જાપાની ખેલાડીઓ માટે ભારત સામે રમવાનો અનુભવ પણ છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ જાપાનના સાનોમાં ભારત સામે રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં બંને ખેલાડીઓ જાપાનની ટીમનો ભાગ હતા. હવે IPLના ઓક્શન માટે નામ નોંધાવીને તેઓ વિશ્વની સૌથી મોટી ટી20 લીગમાં રમવાની તક મેળવવા માગે છે. જોકે, તેમની પસંદગી થશે કે નહીં તે ફ્રેન્ચાઇઝીઓની પસંદગી અને અંતિમ ઓક્શન યાદી પર નિર્ભર રહેશે.
IPL 2027નું મિની ઓક્શન 16 ડિસેમ્બર 2026ના રોજ ગોવામાં યોજાવાનું છે. હાલમાં 1,220 ખેલાડીઓની પ્રારંભિક યાદી તૈયાર થઈ છે. હવે દસેય ફ્રેન્ચાઇઝીઓ આ યાદીમાંથી પોતાની જરૂરિયાત મુજબ ખેલાડીઓનાં નામ પસંદ કરીને BCCIને આપશે.
આ પણ વાંચો: ‘50 બોલમાં 200 રન પાગલપંતી છે!’ Vaibhavની બેટિંગ જોઈ ન્યૂઝીલેન્ડના કોચ જેકબ ઓરમ દંગ