જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામે રમાનારી 3 મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. જોકે, બુમરાહ આ સિરીઝમાં મેદાન પર ઉતરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર, બુમરાહે ટીમમાં જોડાતા પહેલાં વધુ એક ફિટનેસ કસોટીમાંથી પસાર થવું પડશે. જો તે આ કસોટીમાં નિષ્ફળ રહે છે, તો તેની જગ્યાએ ઝડપી બોલર પ્રિન્સ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે


ભારતીય ટીમના પસંદગીકારો અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ અને ત્યારબાદ યોજાનારી એશિયન ગેમ્સ પહેલાં બુમરાહની ફિટનેસ અંગે અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. આ જ કારણસર પ્રિન્સ યાદવને બુમરાહના વિકલ્પ તરીકે તૈયાર રાખવામાં આવ્યો છે.

Jasprit_Bumrah

બુમરાહની અગ્નિ પરીક્ષા

મીડિયા રિપોર્ટ અનુસાર જસપ્રીત બુમરાહ ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા પણ આ સપ્તાહે મેચ સિમ્યુલેશન કસોટીમાંથી પસાર થશે.દિલ્હીમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાતા પહેલાં આ ખેલાડીઓની કસોટી કરવામાં આવશે.BCCIની માહિતી અનુસાર,તબીબી ટીમે ગયા સપ્તાહે આ ખેલાડીઓના આરોગ્ય સંબંધિત અહેવાલ પસંદગીકારો સાથે વહેંચ્યા હતા. આ અહેવાલમાં બુમરાહ સહિત ચારેય ખેલાડીઓને તબીબી રીતે રમવા માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.જોકે,અભ્યાસ મેચ દરમિયાન તેમના પ્રદર્શન અને શારીરિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી માનવામાં આવ્યું છે.સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે આ ખેલાડીઓ અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Prince Yadav

પ્રિન્સ યાદવ પણ ફિટ

બીજી તરફ પ્રિન્સ યાદવ પણ ઈજામાંથી સાજો થઈ ગયો છે. 25 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ત્યારબાદ તે ટીમથી બહાર રહ્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ હોવાનું સામે આવ્યું છે.જો બુમરાહ કોઈ કારણસર અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં રમી નહીં શકે, તો પ્રિન્સ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. પસંદગીકારોએ તેને બેકઅપ વિકલ્પ તરીકે તૈયાર રાખ્યો છે.અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. સિરીઝની શરૂઆત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમથી થશે અને ત્રણેય મેચ આ જ મેદાન પર રમાવાની છે. હવે સૌની નજર બુમરાહની મેચ સિમ્યુલેશન કસોટી અને તેની અંતિમ ફિટનેસ રિપોર્ટ પર રહેશે.

આ પણ વાંચો - Cricket News : આ 5 બાબતો વૈભવ સૂર્યવંશીને બનાવશે ક્રિકેટનો નવો ભગવાન!