ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને મુશ્કેલીમાં મૂકી દીધો છે. બુમરાહે મેચની બંને ઇનિંગમાં લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. ખાસ વાત એ છે કે બંને વખત તેણે લાથમને પોતાની પ્રથમ ઓવરમાં જ આઉટ કર્યો હતો. આ સાથે બુમરાહે એક ખાસ સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.

29 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન સાથે બન્યું આવું

વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ટોમ લાથમને ક્લીન બોલ્ડ કર્યો હતો. લાથમ માત્ર 3 બોલનો સામનો કરીને શૂન્ય રને આઉટ થયો હતો.બીજી ઇનિંગમાં પણ તેની મુશ્કેલી ઓછી થઈ નહોતી. બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ લાથમને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વખતે લાથમ 2 બોલમાં એક પણ રન બનાવી શક્યો નહોતો.આ સાથે જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે બંને ઇનિંગમાં શૂન્ય પર આઉટ થવાની ઘટના 29 વર્ષ બાદ જોવા મળી છે.

https://x.com/BCCI/status/2124322023430365253?a=fBFB2OiZsm7RsqM4N9Q&s=20


બંને ઇનિંગમાં ડક થનાર ત્રીજો ન્યૂઝીલેન્ડનો કેપ્ટન

ટોમ લાથમ ન્યૂઝીલેન્ડનો ત્રીજો એવો કેપ્ટન બન્યો છે, જે ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો છે.આ પહેલાં 1956માં હેરી કેવ વેસ્ટ ઇન્ડિઝ સામે બંને ઇનિંગમાં ખાતું ખોલાવી શક્યા નહોતા. ત્યારબાદ 1997માં ઓસ્ટ્રેલિયા સામે સ્ટીફન ફ્લેમિંગ સાથે પણ આવું બન્યું હતું.હવે 2026માં ભારત સામે ટોમ લાથમના નામે આ અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે.

ટેસ્ટમાં ડક થવાના મામલે સેહવાગને પાછળ છોડ્યો

ટોમ લાથમ માટે આ મેચ વધુ એક કારણસર યાદગાર બની ગઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અત્યાર સુધી 16 વખત શૂન્ય પર આઉટ થઈ ચૂક્યો છે.ટેસ્ટ ઓપનર તરીકે સૌથી વધુ વખત ડક થવાના મામલે તેણે ભારતના પૂર્વ વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે. સેહવાગ ટેસ્ટ ઓપનર તરીકે 15 વખત શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે લાથમે શ્રીલંકાના માર્વન અટાપટ્ટુની બરાબરી કરી છે.આ ઉપરાંત 2010 બાદ બીજી વખત એવું બન્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કોઈ ઓપનર ભારત સામે ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હોય. અગાઉ 2010માં ટિમ મેકિન્ટોશ સાથે અમદાવાદ ટેસ્ટમાં આવું બન્યું હતું.

બુમરાહ બન્યો આવું કરનાર ત્રીજો ભારતીય બોલર

ટોમ લાથમને બંને ઇનિંગમાં પોતાની પ્રથમ ઓવરમાં આઉટ કરીને જસપ્રીત બુમરાહે પણ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે.આ પહેલાં 2006માં એસ. શ્રીસંતે વેસ્ટ ઇન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું. ત્યારબાદ 2007માં ઝહીર ખાને બાંગ્લાદેશ સામે બંને ઇનિંગમાં પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપી હતી.હવે બુમરાહે પણ આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેની ઘાતક બોલિંગે ન્યૂઝીલેન્ડના કેપ્ટનને બંને ઇનિંગમાં મુશ્કેલીમાં મૂક્યો છે અને ભારતીય ટીમને મહત્વની સફળતા અપાવી છે.

આ પણ વાંચો- Anirudh-Kavya reception : બ્લેક સૂટમાં ભૂવીનો જલવો, કાવ્યા મારનના રિસેપ્શનના VIDEO વાયરલ