દક્ષિણ આફ્રિકાના ક્રિકેટમાં 18 વર્ષના યુવા ઝડપી બોલર જેજે બાસને પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં જ ધમાકેદાર શરૂઆત કરી છે.લાયન્સ તરફથી રમતા બાસને બોલેન્ડ સામેની મેચમાં એવી બોલિંગ કરી કે તેનું નામ દક્ષિણ આફ્રિકાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં નોંધાઈ ગયું.બાસને સમગ્ર મેચમાં 99 રન આપીને કુલ 11 વિકેટ ઝડપી હતી.દક્ષિણ આફ્રિકાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં કોઈ ઝડપી બોલર દ્વારા નોંધાવવામાં આવેલા આ સૌથી શ્રેષ્ઠ આંકડા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.જોકે, બાસનની આ સિદ્ધિ કરતાં પણ વધુ રસપ્રદ વાત એ છે કે મેચ દરમિયાન આ યુવા ખેલાડી ડ્રેસિંગ રૂમમાં બેસીને પોતાના સ્કૂલના અભ્યાસમાં વ્યસ્ત હતો.

પહેલી જ મેચમાં બાસનનો કહેર

લાયન્સની ટીમ આ મુકાબલામાં પોતાના કેટલાક અનુભવી ઝડપી બોલરો વિના મેદાનમાં ઉતરી હતી.લુથો સિપામલા નામિબિયામાં ઈજાગ્રસ્ત હતા,જ્યારે ક્વેના મફાકા સિનિયર રાષ્ટ્રીય ટીમ સાથે હતા.ગેરાલ્ડ કોએત્ઝી અને કોડી યુસુફ 'A' ટીમની જવાબદારીમાં હતા.વિઆન મુલ્ડર પણ અંગત કારણોસર ઉપલબ્ધ નહોતા.આ સ્થિતિમાં બાસન સહિતના યુવા બોલરો પર મોટી જવાબદારી આવી હતી.બાસને પહેલી જ ઇનિંગ્સમાં પોતાની અસર બતાવી દીધી.તેણે ત્રીજા ઓવરમાં ઓપનર બ્લેડ કેપલને બોલ્ડ કર્યો.ત્યારબાદ ગયા સીઝનમાં 900થી વધુ રન બનાવનાર ગેવિન કપલાનને પ્રથમ જ બોલે શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો.બાસને 2 વખતના ટેસ્ટ કેપ્ટન નીલ બ્રાન્ડને પણ બોલ્ડ કર્યો હતો. એક સમયે બોલેન્ડનો સ્કોર 6 વિકેટે 90 રન હતો અને આ તમામ 6 વિકેટ બાસનના નામે હતી. ત્યારબાદ 170 રનની ઇનિંગ રમનાર લેહાન બોથાને આઉટ કરીને તેણે પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ પૂરી કરી.બીજી ઇનિંગ્સમાં પણ બાસનની બોલિંગનો કહેર યથાવત રહ્યો. લાયન્સે આપેલા 279 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બોલેન્ડની ટીમના તમામ 4 વિકેટ બાસને જ ઝડપી લીધા. આ સાથે તેણે મેચમાં કુલ 11 વિકેટ પૂરી કરી.

https://x.com/Werries_/status/2098385972916347250?s=20


મેચમાં ડેબ્યૂ બાદ સ્કૂલની પરીક્ષા

બાસનની સિદ્ધિ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે તેની સ્કૂલનો અભ્યાસ હજુ પૂરો થયો નથી.મેચ દરમિયાન પણ તે ડ્રેસિંગ રૂમમાં બેસીને અભ્યાસ કરતો જોવા મળ્યો હતો.આ અઠવાડિયે તેની અંતિમ પરીક્ષાઓ યોજાવાની છે.આ પરીક્ષાઓને કારણે બાસન બ્લૂમફોન્ટેનમાં નાઇટ્સ સામે રમાનારી આગામી મેચમાં પણ લાયન્સ માટે ઉપલબ્ધ નહીં રહે. એટલે ક્રિકેટના મેદાન પર ઇતિહાસ રચ્યા બાદ હવે આ યુવા ખેલાડીનું ધ્યાન પરીક્ષા પર રહેશે.

એલન ડોનાલ્ડે રબાડા સાથે કરી સરખામણી

લાયન્સના બોલિંગ કોચ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ મહાન ઝડપી બોલર એલન ડોનાલ્ડ પણ બાસનની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા છે.તેમણે બાસનની ક્ષમતાની સરખામણી કગિસો રબાડા સાથે કરી છે.ડોનાલ્ડે જણાવ્યું કે બાસનને જોઈને તેમને રબાડાને પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ઓવલમાં રમતા જોયાની યાદ આવી. તેમના મતે ક્યારેક ક્રિકેટમાં એવી પ્રતિભા સામે આવે છે જે અસાધારણ હોય છે અને જેને યોગ્ય રીતે વિકસાવવાની જરૂર હોય છે.ડોનાલ્ડે એ પણ સ્પષ્ટ કર્યું કે બાસન માટે ક્રિકેટ જેટલું જ તેનું શિક્ષણ પણ મહત્વનું છે. તેથી પરીક્ષા પૂરી કર્યા બાદ જ આ યુવા ઝડપી બોલર ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે.

આ પણ વાંચો - PCB: ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સર્જિકલ સ્ટ્રાઈક, સિલેક્શન કમિટીમાંથી આ દિગ્ગજોના પત્તા કપાશે!